(જી.એન.એસ) તા.૬
ગાંધીનગર,
રાજ્યમાં આવતા મહીને રાજ્યસભાની 4 મહત્વની બેઠકો ખાલી થવા જઈ રહી છે. આ બેઠકો પર હાલમાં પ્રતિનિધિત્વ કરી રહેલા સાંસદોનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ 4 બેઠકો પૈકી 3 બેઠકો ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે.
કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલની બેઠક થશે ખાલી
સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ના પ્રમુખ અને દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલની બેઠક ખાલી થવા જઈ રહી છે. તેઓ અત્યારે ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભા સાંસદ છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ જોતા આ બેઠક જાળવી રાખવી તેમના માટે મોટો પડકાર સાબિત થશે. બીજી તરફ, સત્તાધારી પક્ષ ભાજપના ત્રણ અનુભવી નેતાઓનો કાર્યકાળ પણ જૂન માસમાં સમાપ્ત થઈ રહ્યો છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન, આદિવાસી નેતા રમિલાબેન બારા અને સૌરાષ્ટ્રના અગ્રણી નેતા રામભાઈ મોકરીયા નો સમાવેશ થાય છે.
ગાંધીનગર ખાતે સચિવાલયમાં આ ચૂંટણીને લઈને અત્યારથી જ ગણગણાટ શરૂ થઈ ગયો છે. ભાજપ આ ચારેય બેઠકો કબજે કરવા માટે મક્કમ છે, જ્યારે વિપક્ષ પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જૂન માસમાં ટર્મ પૂરી થતી હોવાથી મે મહિનાના અંત સુધીમાં નોટિફિકેશન જાહેર થઈ શકે છે.
નવા સમીકરણો મુજબ, ભાજપ નવા ચહેરાઓને તક આપે છે કે જૂના જોગીઓને રિપીટ કરે છે તેના પર સૌની નજર રહેશે. ખાસ કરીને રમિલાબેન બારાના સ્થાને કોઈ નવા મહિલા ચહેરાને કે રામભાઈ મોકરીયાની જગ્યાએ અન્ય કોઈ ઓબીસી (OBC) નેતાને સ્થાન મળે છે કે કેમ તે જોવું રહ્યું.

