કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સભ્ય મફતસિંહ ઝાલાનો પુત્રને દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપાયો
‘પુત્ર સાથે દોઢ વર્ષથી કોઈ સંબંધ નથી’ ભાજપ નેતાનો છેડો ફાડતો દાવો
(જી.એન.એસ) તા. ૨૧
ખેડા,
ગુજરાતમાં દારુબંધી હોવા છતાં અમુક લોકોની ખરાબ માનસિકતાના કારણે સમાજમાં દારૂનું દુષણ ફેલાતું હોય છે ત્યારે, હાલ ખેડા જીલ્લા ભાજપમાં ચોંકાવનારી ઘટના બનવા પામી હતી જેમાં, કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સભ્ય મફતસિંહ ઝાલાના પુત્રને દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપવામાં આવ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી તેના આધારે વોચ ગોઠવી હતી. અને શંકાસ્પદ સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર આવતા જ તેને રોકી તપાસ કરી હતી. જેમાં મફતસિંહ ઝાલાના પુત્ર લિંકન ઝાલા અને તેના સાગરીત જીજ્ઞેશ ઝાલા પાસેથી વિદેશી દારૂ અને બિયરની 2 હજાર 160 બોટલ મળી આવી હતી.
દારૂ, કાર અને 5 મોબાઈલ સહિત કુલ રૂપિયા 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. જ્યારે દારૂની ખેપ માટે ખોટી નંબર પ્લેટ લગાવ્યાનો પણ ઘટસ્ફોટ થયો છે. હાલ લિંકન ઝાલા સહિત કુલ 8 આરોપી સામે ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નડિયાદના પીપળાતા પાસે SMCની ટીમે દરોડા પાડ્યા ત્યારે ખેડા જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી પણ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે ભાજપ નેતાઓના આ “દારૂ કનેક્શન” અનેક સવાલો ઊઠાવી રહ્યા છે.
પોતાના છોકરાના કારસ્તાન જાન્ય બાદ અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા ભાજપના નેતા મફતભાઈ ઝાલા તાત્કાલિક મીડિયા સમક્ષ દોડી આવ્યા હતા. જોકે, પુત્ર ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાતા જ નેતાજીના સૂર સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા અને તેમણે પક્ષમાંથી પોતાની આબરૂ બચાવવા માટે લૂલો બચાવ શરૂ કર્યો હતો.
મીડિયા સમક્ષ કેમેરા સામે આવીને ભાજપના સદસ્ય મફત ઝાલાએ પોતાના સગા પુત્ર લિંકન ઝાલા સાથે છેડો ફાડી નાખ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, “મારો દીકરો છેલ્લા દોઢ વર્ષથી મારી સાથે રહેતો જ નથી અને તેની સાથે મારે કોઈ લેવાદેવા કે સંબંધ નથી.” હવે સવાલ એ ઊભો થાય છે કે, શું નેતાજી ખરેખર સાચું બોલી રહ્યા છે કે પછી પોતાની રાજકીય કારકિર્દી અને પદ બચાવવા માટે સગા દીકરાને નકારી રહ્યા છે? આ મામલો હાલ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

