(જી.એન.એસ) તા.૬
અમદાવાદ,
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે જાણીતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) નો ભવ્ય ફાઈનલ મુકાબલો યોજાશે. બીસીસીઆઈ (BCCI) એ આઈપીએલની આ સીઝનની અંતિમ જંગ માટે ફરી એકવાર અમદાવાદ પર પસંદગી ઉતારી છે. પ્લેઓફ (Playoffs) ના પ્રારંભિક મુકાબલા ધર્મશાલા અને ચંદીગઢમાં રમાશે. જોકે, ખિતાબ જીતવા માટેનો અંતિમ મહાસંગ્રામ મે 2026 ના અંતમાં અમદાવાદના આંગણે જ રમાશે. આ સમાચારથી ગુજરાતના ક્રિકેટ ચાહકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
આ વર્ષે બીસીસીઆઈ (BCCI) એ પ્લેઓફના શેડ્યૂલમાં વૈવિધ્ય લાવવાનો પ્રયાસ કર્યો છે. ક્વોલિફાયર અને એલિમિનેટર મેચો માટે ધર્મશાલા અને ચંદીગઢ જેવા ઉત્તર ભારતના શહેરોની પસંદગી થઈ છે. પરંતુ જ્યારે વાત ચેમ્પિયન નક્કી કરવાની હોય, ત્યારે બોર્ડે (BCCI) 1 લાખ 32 હજાર (1,32,000) થી વધુની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ ભરોસો મૂક્યો છે. આ સ્ટેડિયમની અત્યાધુનિક સુવિધાઓ અને ભવ્ય માહોલ ફાઈનલ મેચના રોમાંચને બમણો કરી દેશે.
તેમજ હવે ફાઈનલ વેન્યુ તરીકે અમદાવાદનું નામ ફાઈનલ થતા જ સ્થાનિક તંત્ર અને જીસીએ (GCA) એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટૂર્નામેન્ટની સૌથી મોટી ઈવેન્ટ હોવાથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે અત્યારથી જ પ્લાનિંગ થઈ રહ્યું છે. દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની નજર આ મેગા ફાઈનલ પર રહેશે. સ્ટેડિયમમાં લાઈટ શો અને મનોરંજનના કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

