(જી.એન.એસ) તા. ૨૩
અમદાવાદ,
લાખો સીએનજી વાહનચાલકો માટે દિવાળીના તહેવાર પહેલાજ મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. ઇંધણ સપ્લાયર અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો જંગી વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવવધારાને કારણે અમદાવાદમાં સીએનજીનો નવો રિટેલ ભાવ પ્રતિ કિલો ₹98.47એ પહોંચી ગયો છે, જે વાહનચાલકોના માસિક બજેટ પર સીધો બોજ વધારશે.
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ડ્રાઇવરોને આશા હતી કે ધંધામાં વધારો થશે અને આવક સારી થશે. પરંતુ CNGના વધેલા ભાવને કારણે હવે ગાડી ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. બીજી તરફ, મુસાફરો પાસેથી પૂરતું ભાડું મળતું ન હોવાની ફરિયાદ પણ ડ્રાઇવરો કરી રહ્યા છે. પરિણામે દિવસભર ગાડી ચલાવ્યા બાદ પણ ઘરખર્ચ, રિક્ષાનું ભાડું અને અન્ય ખર્ચ કાઢવા મુશ્કેલ બની રહ્યા છે.
ટેક્સી ડ્રાઇવરોનું કહેવું છે કે, પહેલાંથી જ તેમને પૂરતું ભાડું મળતું નથી. મુસાફરો ઓછા ભાડામાં મુસાફરી કરવા માગે છે, જ્યારે પેટ્રોલ-ડીઝલની સાથે CNGના ભાવમાં થતો વધારો તેમના નફાને અસર કરે છે. હવે ગેસના ભાવમાં ફરી વધારો થતાં પહેલાં જેટલી આવક મેળવવા માટે વધુ કલાકો સુધી ગાડી ચલાવવી પડશે.
એક ડ્રાઇવરે જણાવ્યું હતું કે આ વર્ષે અનેક વખત CNGના ભાવમાં વધારો થયો છે. ધંધો પહેલેથી જ નબળો છે અને હવે ખર્ચ વધી રહ્યો છે. ઘરનું ગુજરાન ચલાવવા તેમજ ગાડીનો ખર્ચ કાઢવા માટે પહેલાં કરતાં બે કલાક વધારે ગાડી ચલાવવી પડશે. ડ્રાઇવરો અગાઉ હડતાળ પર પણ ઊતર્યા હતા, પરંતુ તેનો કોઈ ખાસ ફાયદો થયો નથી. દરેક મુશ્કેલીનો સામનો ડ્રાઇવરોએ જ કરવો પડે છે.
અમદાવાદમાં ઓટોરિક્ષા ચલાવતા એક ડ્રાઇવરે જણાવ્યું હતું કે, જ્યારે તેમણે રિક્ષા ચલાવવાની શરૂઆત કરી હતી, ત્યારે CNGનો ભાવ પ્રતિ કિલો આશરે ₹30 હતો. હવે આ ભાવ લગભગ ₹100 સુધી પહોંચી ગયો છે. તેમના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે-ત્રણ વર્ષમાં જ CNGના ભાવમાં આશરે ₹20થી ₹25 સુધીનો વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં મોટી સંખ્યામાં ઓટોરિક્ષાઓ ચાલે છે અને લાખો ડ્રાઇવરોની રોજીરોટી આ વ્યવસાય પર નિર્ભર છે. ગેસના ભાવમાં સતત વધારો થતાં દરેક ડ્રાઇવરના ઘરખર્ચ પર તેની અસર પડશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે અમદાવાદમાં ગેસનો ભાવ વધુ હોવાની સરખામણીએ હાઇવે પર તેમને અગાઉ ઓછા ભાવે ગેસ મળ્યો હતો.
પણ ભાડે રિક્ષા ચલાવતા ડ્રાઇવરોની મુશ્કેલી વધુ ગંભીર છે. તેમને દરરોજની કમાણીમાંથી રિક્ષાનું ભાડું ચૂકવવું પડે છે. ત્યાર બાદ ગેસનો ખર્ચ, જમવાનું અને પરિવારના અન્ય ખર્ચ કાઢવાના હોય છે. CNGના ભાવમાં વધારો થતાં તેમની પાસે બચતી રકમ વધુ ઘટી રહી છે.
એક રિક્ષાચાલકે જણાવ્યું હતું કે દિવાળી પહેલાં જ મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. તેઓ દરરોજ ગેસ ભરાવે છે અને હવે ગેસનો ખર્ચ વધી ગયો છે. ગયા મહિને ડ્રાઇવરો હડતાળ પર ઊતર્યા હતા, પરંતુ તેનાથી પણ કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. હવે યુનિયન સાથે ચર્ચા કરીને ફરી હડતાળ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.
રિક્ષાચાલકોએ CNG ગેસની કિંમતોમાં વારંવાર થતા વધારા સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ રીતે ભાવ વધતા રહે તો રિક્ષાચાલકોની આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બનશે. રિક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો હાલનો ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન અને ગુજરાત સારથી સંઘ સાથે મળીને સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

