ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા ચીનના નિંગબોમાં તેની એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી
(જી.એન.એસ) તા. ૨૬
અમદાવાદ,
ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWF) દ્વારા ચીનના નિંગબો ખાતે એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરી હતી કે, વર્ષ 2029માં અમદાવાદ ખાતે સિનિયર વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે.
આ ઇવેન્ટ સાથે, ભારત પ્રથમ વખત સિનિયર વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે.
ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) એ તેની એક્ઝિક્યુટિવ બોર્ડ મીટિંગમાં 2029 અને 2030 સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે યજમાન શહેરોની પસંદગી કરી. 2029 ઇવેન્ટ અમદાવાદમાં યોજાશે, જ્યારે 2030 ઇવેન્ટ રશિયાની રાજધાની મોસ્કોને આપવામાં આવશે. બોર્ડે 2028 વર્લ્ડ યુથ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ કોસોવોની રાજધાની પ્રિશ્ટીનાને અને 2029 વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ વેનેઝુએલાની રાજધાની કારાકાસને આપવાનો પણ નિર્ણય લીધો.
ખુબ મહત્વનું છે કે, અમદાવાદ દ્વારા સિનિયર વેઇટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય રમતો માટે એક મોટી સિદ્ધિ છે. IWF સેક્રેટરી જનરલ જોસ ક્વિનોન્સે જણાવ્યું હતું કે ફેડરેશન દ્વારા મળેલા તમામ હોસ્ટિંગ પ્રસ્તાવો ઉત્તમ હતા અને તેમને વિશ્વાસ છે કે સંબંધિત દેશોમાં સ્પર્ધાઓ સફળ થશે. તેમણે એમ પણ કહ્યું કે કોસોવો, વેનેઝુએલા અને ભારત પ્રથમ વખત IWF વિશ્વ કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરશે. આ એક સંકેત છે કે વેઇટલિફ્ટિંગની રમત વિશ્વભરમાં વિસ્તરી રહી છે અને વિવિધ દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં રસ વધી રહ્યો છે.
IWF એ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કેલેન્ડરને સુવ્યવસ્થિત અને મજબૂત બનાવવા માટે ચાર વિશ્વ ચેમ્પિયનશિપ માટે યજમાન દેશોની પસંદગી એક સાથે કરવામાં આવી છે. આ નિર્ણય યજમાન દેશોને સમયસર સ્પર્ધાઓ માટે તૈયારીઓ શરૂ કરવામાં મદદ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ટ્વીટ-
અમદાવાદ 2029 IWF વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે તે જાણીને આનંદ થયો. ભારતને પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પર્ધાનું આયોજન કરવાની તક મળી છે, જે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે.
અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજનની તૈયારી કરી રહ્યું છે ત્યારે, આ ઘટના વૈશ્વિક રમતગમતની સ્પર્ધાઓ યોજવાની ગુજરાતની વધતી જતી ક્ષમતાને વધુ એક માન્યતા આપે છે. આ પ્રેરણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘ભારતને વૈશ્વિક રમતગમતની મહાસત્તા બનાવવાની’ દૂરંદેશીમાંથી મળી છે.
‘ટીમ ગુજરાત’ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓના સ્વાગત માટે અને આ ચેમ્પિયનશિપને યાદગાર બનાવવા માટે કોઈ કસર બાકી રાખશે નહીં.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ-
ભારત માટે મોટા સમાચાર!
અમદાવાદ 2029 IWF વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે!
કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 અને એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 બાદ, હવે વિશ્વના શ્રેષ્ઠ વેઇટલિફ્ટરો ગુજરાત આવી રહ્યા છે.

