(જી.એન.એસ) તા. ૨૬
વડોદરા,
વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામમાંથી ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી અન્ય સિલિન્ડરમાં ભરવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. દિલીપ પ્રોવિઝન સ્ટોરમાં ગેરકાયદેસર રીતે ચાલતા આ ગેસ રિફિલિંગ કૌભાંડ મામલે મંજુસર પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કૌભાંડમાં આરોપીઓ દ્વારા સરકારી સબસિડીવાળા કે ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢીને અન્ય નાના કે ઓછા વજનના સિલિન્ડરોમાં રિફિલિંગ કરવામાં આવતું હતું.
ગેસ સિલિન્ડરની સીલને ચાલાકીપૂર્વક ખોલીને ફરીથી પેક કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવીને ગ્રાહકોને ઓછા વજનના બાટલા પધરાવીને મોટી છેતરપિંડી આચરવામાં આવતી હતી. પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા ઓચિંતા દરોડા દરમિયાન દુકાનમાંથી અંદાજે 40 જેટલા નાના-મોટા ગેસના બોટલો મળી આવ્યા હતા. પોલીસે ગેસ રિફિલિંગમાં વપરાતા સાધનો અને સિલિન્ડરો સહિત કુલ રૂપિયા 1,09,050નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

