(જી.એન.એસ) તા. ૨૩
અમદાવાદ,
વિઘ્નહરતા ગણપતિ બાપ્પાના વિદાય સમયે શહેરમાં લોકોને કોઇપણ પ્રકારની તકલીફો ના પડે તે માટે અમદાવાદ શહેર પોલીસે ગણેશ વિસર્જનને લઈને સ્પેશિયલ પ્લાન તૈયાર કર્યો છે તે બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગણપતિ વિસર્જનને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે.
આગામી 25 સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જનની ઉજવણી થવાની છે. અમદાવાદ શહેરમાં કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિકનું નિયમન યોગ્ય રીતે થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહે ગેહલોતે આ જાહેરનામામાં શહેરના કેટલાક રૂટ પર વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેના વૈકલ્પિટ રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જાહેરનામા અનુસાર, 25 સપ્ટેમ્બરે એસટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ ઉપર થઈને પાલડી તરફ જતો રસ્તો બંધ રહેશે, જ્યારે તેના વૈકલ્પિક રૂટ તરીકે એસટી ગીતા મંદિરથી જમાલપુર બ્રિજ નીચેથી બહેરામપુરાથી દાણીલીમડા અને ત્યાંથી અંજલી ચાર રસ્તા થઈને પાલડી જઈ શકાશે.
એસટી, ગીતા મંદિરથી રાયપુરા, સારંગપુર અને કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો રસ્તો પણ બંધ રહેશે. એના બદલે એસટી ગીતા મંદિરથી કાંકરિયા, અનુપમ સિનેમા, ગોમતીપુર રેલવે કોલોનીથી સરસપુર આંબેડકર હોલ થઈને કાલુપુર બ્રિજથી રેલવે સ્ટેશન અને નરોડા તરફ અવરજવર કરી શકાશે.
કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર સર્કલ, કાગડાપીઠ, રાયપુર ચાર રસ્તા, ખમાસા ચાર રસ્તા, વિક્ટોરિયા ગાર્ડન, એલિસબ્રિજથી ટાઉનહોલ સુધીનો રસ્તો બંધ રહેશે. આ રસ્તાના વૈકલ્પિક રૂટ તરીકે વાહનચાલકો કાલુપુર બ્રિજ થઈને આંબેડકર હોલ, માણેકલાલ મીલ, કાળીદાસ ચાર રસ્તા, ગોતમીપુર રેલવે કોલોની, અનુપમ સિનેમા, અપ્સરા સિનેમા, દાણીલીમડાથી અંજલી સર્કલ થઈને પાલડી અને આશ્રમરોડ સુધી અવરજવર કરી શકાશે. આ તરફ રખિયાલ ચાર રસ્તાથી કાળીદાસ ચાર રસ્તા, ચારતોળા કબ્રસ્તાન થઈને ચતુરસિંગની ચાલી થઈને સરસપુર ITI ચાર રસ્તાથી ગુરૂદ્વારા સુધીનો માર્ગ વાહનચાલકો માટે બંધ રહેશે. જ્યારે રખિયાલ ચાર રસ્તાથી ગરીબનગર, મેમ્કો ચાર રસ્તાથી નરોડા ફ્રૂટ માર્કેટથઈને કાલુપુર બ્રિજ તરફ અવરજવર કરી શકાશે.
દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલ, કેન્દ્રીય વિદ્યાલય, તાવડીપુરા પોલીસ લાઈન, દધિચિ બ્રિજ સુધીના માર્ગ પર વાહન વ્યવહાર બંધ રહેશે. વાહનચાલકો દિલ્હી દરવાજાથી દરિયાપુર સર્કલ, ઈદગાહ સર્કલથી અસારવા બ્રિજન ઉપયોગ કરીને બળિયા રલીમડીથી ગીરધરનગર સર્કલથી મહારાજા પ્રજ્ઞાસ્વામી બ્રિજ નીચેથી અંડરબ્રિજ સર્કલ તરફ અવરજવર કરી શકશે. દિલ્હી દરવાજાથી લીમડા ચોક, લીથો પ્રેસ, હનુમાનપરાથી દધિચી બ્રિજ સુધીનો માર્ગ બંધ રહેશે, તેના બદલે દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તાથી શંકરભુવન ટી, ગાંધીબ્રિજથી ઈન્કમટેક્સ તરફ અવરજવર કરી શકાશે.
સાબરમતી રિવરફ્રન્ટ પરના રસ્તાની વાત કરીએ તો વાડજ સ્મશાન ગૃહથી આંબેડકરબ્રિજ નીચે સુધીનો ભાગ વાહનચાલકો માટે પ્રતિબંધિત રહેશે. તેના વૈકલ્પિક રૂટ તરીકે આશ્રમરોડ ઉસ્માનપુરાથી, ઈન્કમટેક્સ, બાટાનો શો રૂમ, નહેરૂબ્રિજ, ટાઉનહોલ, પાલડીથી મહાલક્ષ્મી પાંચ રસ્તાથી અંજલી ચાર રસ્તાથી સુધીનો રોડ કાર્યરત રહેશે.
કાંકરિયા પાસે પીકનીક હાઉસથી આંબેડકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટના માર્ગ પર પણ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. જ્યારે ડફનાળા સર્કલથી શાહીબાગ અંડરબ્રિજ થઈને નમસ્તે સર્કલ, દિલ્હી દરવાજા, મિરઝાપુર રોડ, વીજળીઘર, લાલ દરવાજાનો રસ્તો ચાલુ રહેશે.
અમદાવાદ પોલીસે જાહેર કરેલા પ્રતિબંધિત માર્ગ અને ટ્રાફિક માટે ડાયવર્ટ કરેલા તમામ માર્ગો પર કોઈપણ પ્રકારનું વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. આ તમામ માર્ગોને નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
જો કે આ જાહેરનામું પોલીસ વિભાગની મંજૂરી મેળવેલી હોય તેવા વાહનો માટે લાગુ નહીં પડે, આ ઉપરાંત ફરજમાં રોકાયેલા સરકારી વાહનો અને આકસ્મિત સંજોગોમાં જનારા વાહનો પર પણ આ જાહેરનામું લાગુ પડશે નહીં.

