મનપા ચૂંટણી માટે તંત્ર સજ્જ: 1570થી વધુ કર્મચારી રહેશે ફરજ પર, 295 મતદાન મથકો
(જી.એન.એસ) તા. ૧૦
ગાંધીનગર,
આજે રવિવાર, સવારે 7 વાગ્યાથી ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન શરૂ થશે. તે પહેલાં શનિવારે તમામ 295 મતદાન મથકો પર EVM, પોલિંગ સ્ટાફ, મતદાન કુટીર અને જરૂરી ચૂંટણી સાહિત્ય પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે સેક્ટર-15 સ્થિત સરકારી વાણિજ્ય કોલેજના ડિસ્પેચિંગ સેન્ટરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ગાંધીનગર મનપા વિસ્તારના તમામ મતદાન મથકો પર સમયસર મતદાન માટેની તમામ સામગ્રી પહોંચે તે માટે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. કુલ 39 બસો મારફતે 1570થી વધુ ચૂંટણી કર્મચારીઓ, પોલીસ જવાનો, કંટ્રોલ યુનિટ (CU), બેલેટ યુનિટ (BU), મતદાન કુટીર સહિતનું જરૂરી ચૂંટણી સાહિત્ય સંબંધિત મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવશે. તમામ બસો નિર્ધારિત રૂટ મુજબ કામગીરી કરશે, જેથી મતદાનના આગલા દિવસે જ દરેક બુથ પર જરૂરી વ્યવસ્થા ઊભી કરી શકાય.
મહત્વનું છે કે, EVMની ફાળવણીમાં પણ ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે દરેક મતદાન મથક પર એક કંટ્રોલ યુનિટ અને એક બેલેટ યુનિટ ફાળવવામાં આવશે. જોકે, વોર્ડ નંબર-6ના 17 મતદાન મથકો પર ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારાનું એક બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યું છે. પરિણામે આ 17 બુથ પર બે-બે બેલેટ યુનિટનો ઉપયોગ થશે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ EVMનું ટેસ્ટિંગ અને સીલિંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી મશીનોને રવાના કરવા માટે તૈયાર રાખવામાં આવ્યાં છે.
પાટનગર ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે સંબંધિત કર્મચારીઓને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી છે. મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો નિર્ભયતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 295 મતદાન મથકો પર અંદાજે 1570થી વધુ ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે. દરેક મતદાન મથક પર પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર અને સેવક સહિતના પાંચ કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી કામગીરીમાં જોડાનારા કર્મચારીઓને અગાઉ તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત, તેમની નિમણૂક માટે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે.
મતદાન દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાય અથવા કોઈ અનિવાર્ય સંજોગો ઊભા થાય તો કામગીરી ખોરવાય નહીં તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામ વોર્ડમાં કમિશનિંગ કરાયેલાં EVMમાંથી 10 ટકા મશીનો રિઝર્વ રાખવામાં આવ્યાં છે, જેથી જરૂરિયાત ઊભી થાય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત, ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારી કે અધિકારીની જગ્યાએ તાત્કાલિક અન્ય કર્મચારી ઉપલબ્ધ થઈ શકે તે માટે 15 ટકા વધારાનો તાલીમબદ્ધ સ્ટાફ રિઝર્વ રાખવામાં આવશે. આ કર્મચારીઓ ડિસ્પેચિંગ સેન્ટર પર હાજર રહેશે અને જરૂરિયાત મુજબ તેમને ફરજ પર મોકલાયા છે.

