ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ દુઃખદ નિધન
(જી.એન.એસ) તા. ૧૦
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન થયું છે. લાંબા સમય સુધી કોંગ્રેસ પક્ષમાં વિવિધ સ્તરે અત્યંત મહત્ત્વની જવાબદારીઓ નિભાવનાર દીપક બાબરિયાના અવસાનથી કોંગ્રેસ પક્ષમાં ઊંડા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, દીપક બાબરિયા કોંગ્રેસના વરિષ્ઠ અને અનુભવી નેતાઓ પૈકીના એક હતા, જેઓ રાહુલ ગાંધીના અત્યંત નજીકના અને વિશ્વાસુ નેતા માનવામાં આવતા હતા. આ ઉપરાંત તેઓ પક્ષના કદાવર નેતા સ્વ. અહેમદ પટેલના પણ ખૂબ નજીકના સાથી રહ્યા હતા. જીવનભર કોંગ્રેસ સંગઠન અને પક્ષના સિદ્ધાંતો પ્રત્યે સમર્પિત રહીને તેમણે સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રાષ્ટ્રીય જવાબદારીઓ
તેમણે કોંગ્રેસ પક્ષમાં રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં અનેક મહત્વપૂર્ણ ભૂમિકાઓ સફળતાપૂર્વક ભજવી હતી. રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા દર્શાવતા તેમણે મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી જેવા મહત્વના રાજ્યોમાં કોંગ્રેસના પ્રભારી (AICC In-charge) તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી હતી. તેમના નિધનથી કોંગ્રેસ પરિવારમાં પૂરરી ન શકાય તેવી મોટી ખોટ પડી છે. આ દુઃખદ સમયે તમામ કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ તરફથી તેમના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.

