વારાણસી અને વડનગરના અતૂટ સંબંધોની સાક્ષી પૂરતી ‘સેવા યાત્રા’, ૫૦૦ યુવાઓએ પવિત્ર ગંગાજળથી મહાદેવને રીઝવ્યા
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વારાણસીના બાઈકર્સ વડનગર પહોંચ્યા, પ્રાચીન હાટકેશ્વર મંદિરે ભક્તિમય માહોલ: પવિત્ર કાશીથી લાવવામાં આવેલા ગંગાજળ વડે દેવાધિદેવ મહાદેવનું પૂજન-અર્ચન કરાયું
(જી.એન.એસ) તા. ૭
વડનગર
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના શુભ અવસરે પ્રારંભ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે આયોજિત ‘વારાણસી થી વડનગર સેવા યાત્રા’ તેની સફળતાના શિખરે પહોંચી છે. આ યાત્રામાં જોડાયેલા વારાણસીના આશરે ૫૦૦ જેટલા બાઈકર્સ દ્વારા વડનગરના ઐતિહાસિક અને અત્યંત પ્રાચીન એવા હાટકેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર ગંગાજળથી જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડનગરના શ્રદ્ધાના કેન્દ્ર સમાન મંદિરમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.
આ વિશેષ સેવા યાત્રામાં જોડાયેલા યુવા બાઈકર્સ પવિત્ર નગરી વારાણસીથી પોતાની સાથે ગંગા મૈયાનું પવિત્ર જળ લઈને વડનગર પધાર્યા હતા. બાઈકર્સ દ્વારા કરવામાં આવેલ આ જળાભિષેકે વડાપ્રધાનના સંસદીય ક્ષેત્ર કાશીથી તેમના જન્મસ્થળ વડનગર વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેતુને વધુ મજબૂત બનાવ્યો છે. હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ પવિત્ર જળ અર્પણ કરી બાઈકર્સ દ્વારા લોક કલ્યાણ અને રાષ્ટ્ર પ્રગતિની મંગલ કામના કરવામાં આવી હતી.
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ યાત્રા માત્ર એક પ્રવાસ નહીં, પરંતુ શ્રદ્ધા અને સેવાના સંકલ્પને ઉજાગર કરતું માધ્યમ બની રહી છે. સમગ્ર આયોજનમાં શિસ્ત અને સમર્પણના દર્શન થયા હતા, જ્યાં વારાણસીના યુવાઓએ પરંપરાગત વિધિ-વિધાન સાથે મહાદેવની આરાધના કરી હતી. પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલા સેવાના વિવિધ કાર્યોમાં આ યાત્રા એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ છે, જેણે વડનગરના આંગણે ભક્તિમય અને ગૌરવપૂર્ણ વાતાવરણ સર્જ્યું છે.

