તહેવારોમાં નાગરિકોની જરૂરિયાત મુજબ પૂરતો ખાંડનો જથ્થો ઉપલબ્ધ
(જી.એન.એસ) તા. ૩૧
ગાંધીનગર,
અન્ન, નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નોંધાયેલા અંત્યોદય અને બી.પી.એલ. કાર્ડધારકોને તહેવારોમાં ખાંડનો પૂરતો જથ્થો સરળતાથી મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. વાજબી ભાવના દુકાનદારો માટે સપ્ટેમ્બર-૨૦૨૬ માસના ખાંડ સહિતની અન્ય જણસીઓના ચલણ ભરવાની છેલ્લી તારીખ લંબાવીને હવે તા.૦૩/૦૯/૨૦૨૬ કરવામાં આવી છે.
ખાંડ વિતરણના નિયમો અને રાહત દર રાજ્યમાં અંત્યોદય તથા બી.પી.એલ. કેટેગરીના રેશનકાર્ડ ધારકોને કુટુંબના સભ્યોની સંખ્યા મુજબ ખાંડનું વિતરણ કરવામાં આવે છે. જેમાં અંત્યોદય કાર્ડધારકો માટે રૂ. ૧૫ પ્રતિ કિ.ગ્રા. તેમજ બી.પી.એલ. કાર્ડધારકો માટે રૂ. ૨૨ પ્રતિ કિ.ગ્રા. ના દરે વિતરણ કરવામાં આવે છે.
આગામી તહેવારોને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા એક માસ અગાઉ એટલે કે ઓગસ્ટ-૨૦૨૬માં જ પરિવારની જરૂરિયાત મુજબ ખાંડની ફાળવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૭,૧૦૦ મેટ્રિક ટન ખાંડનો જથ્થો લાભાર્થીઓને વિતરિત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સપ્ટેમ્બર-૨૦૨૬ માસ માટે રાજ્યમાં કુલ ૪,૫૦૦ મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી છે. જેથી રાજ્યમાં નાગરિકોને સમયસર તેમની જરૂરિયાત મુજબ ખાંડ મળી રહેશે.

