અંગદાન એ કેવળ અંગોનું દાન નથી, પરંતુ કોઈના નિરાશ જીવનમાં આશા અને ખુશીઓ લાવવાનું શ્રેષ્ઠ મહાદાન છે :- સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશી
(જી.એન.એસ) તા. ૩૧
અમદાવાદ,
રક્ષાબંધનના પવિત્ર પર્વે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક અત્યંત હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. બ્રેઈન હેમરેજ બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા ૪૧ વર્ષીય મહિલાના પરિવારે દુઃખની ઘડીમાં પણ અપાર હિંમત દાખવીને ગુપ્ત અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. આ મહાદાનથી પ્રાપ્ત થયેલા એક હૃદય, એક લીવર અને બે કિડની થકી ચાર દર્દીઓને નવજીવન મળ્યું છે, જે તેમના પરિવારો માટે આશાનું નવું કિરણ બન્યું છે.
ઘટના અંગે વિગતવાર માહિતી આપતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ૪૧ વર્ષીય મહિલાને ગંભીર બ્રેઈન હેમરેજ થતાં સિવિલ હોસ્પિટલના ICUમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની સઘન સારવાર છતાં ગત તા. ૨૭ ઓગસ્ટના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. નિમેશ દેસાઈએ પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજ આપતાં, શોકગ્રસ્ત પરિવારે સહર્ષ સંમતિ આપી હતી.
ડૉ. રાકેશ જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે, રક્ષાબંધનના પાવન પર્વે એક બહેનના અંગદાનથી ચાર પરિવારોમાં ખુશીઓની નવી સવાર ઊગી છે. અંગદાન એ કેવળ અંગોનું દાન નથી, પરંતુ કોઈના નિરાશ જીવનમાં આશા અને મુસ્કુરાહટ લાવવાનું શ્રેષ્ઠ મહાદાન છે.
આ ગુપ્ત અંગદાનથી પ્રાપ્ત થયેલું હૃદય યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપિત કરવામાં આવશે. જ્યારે એક લીવર અને બંને કિડની IKDRC હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપિત કરાશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ સફળ ઝુંબેશથી અત્યાર સુધીમાં કુલ ૨૫૨ અંગદાતાઓ પાસેથી ૪૬૬ કિડની, ૨૨૬ લીવર, ૮૦ હૃદય, ૩૪ ફેફસાં, ૨૧ સ્વાદુપિંડ, ૬ હાથ અને ૨ નાનાં આંતરડાં મળીને કુલ ૮૩૫ અંગો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત, ૨૦૦ ચક્ષુઓ અને ૪૮ ચામડી (સ્કિન) સહિત ૨૪૮ પેશીઓનું પણ દાન મળ્યું છે. આમ, સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૧,૦૮૩ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે.

