(જી.એન.એસ) તા. ૩૧
અમદાવાદ,
શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે એર ઇન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાઉદી અરેબિયાના દમામ શહેરથી દિલ્હી જઈ રહેલી આ ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં જ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને વિમાનને રસ્તામાંથી ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.
આ ઘટના મામલે મળતી માહિતી મુજબ, ફ્લાઇટ હવામાં હતી તે સમયે વિમાનના શૌચાલયમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર વિમાનમાં ‘બોમ્બ’ હોવાની ધમકી લખેલી હતી. આ ધમકીભર્યો પત્ર નજરે પડતાં જ ફ્લાઇટ ક્રૂએ તરત જ આ અંગે પાઇલટને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાઇલટે તાત્કાલિક એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્યો હતો અને નજીકના અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી.લેન્ડિંગની મંજૂરી મળતાં જ એરપોર્ટ પર ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવ્યો હતો. ફાયર ફાઇટર્સ અને એમ્બ્યુલન્સની ટીમો રનવે પર તૈનાત કરી દેવાઈ હતી. વિમાનમાં 32 મુસાફરો ઉપરાંત ક્રૂ મેમ્બર્સ હાજર હતા.
અમદાવાદએરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થયા બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને ઝડપથી અને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢીને એરપોર્ટના સેફ એરિયામાં લઈ જવામાં આવ્યા હતા.વિમાનને એરપોર્ટના આઇસોલેશન બે માં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), સ્નિફર ડોગ્સ, સીઆઈએસએફ (CISF) અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સમગ્ર વિમાનની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. મુસાફરોના તમામ સામાન અને કાર્ગોનું પણ સઘન સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. આ ધમકી માત્ર અફવા હતી કે ખરેખર કોઈ ષડયંત્ર હતું તે દિશામાં સુરક્ષા એજન્સીઓ તપાસ ચલાવી રહી છે.

