(જી.એન.એસ) તા. ૩૧
મહેસાણા,
જિલ્લામાં ફિલ્મી સ્ટાઈલની ઘટના બનવા પામી હતી જેમાં હાઈવે પર રાત્રિના સમયે બે જૂથો વચ્ચે થયેલી અથડામણ અને ગોળીબારથી ચકચાર મચી ગઈ હતી. પરંતુ સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોતાની પર થયેલા જીવલેણ હુમલાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલા યુવકોની કારમાંથી જ પોલીસે હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો. પોતાને પીડિત ગણાવતા યુવકો જ કુખ્યાત મસ્તાની ગેંગના સક્રિય સાગરીતો હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ સમગ્ર ઘટનાની શરૂઆત 30 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ થઈ હતી. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામનો 32 વર્ષીય યુવાન ભાવેશભાઈ બળદેવભાઈ રબારી પોતાની સફેદ કલરની, નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કાર લઈને મહેસાણા આવ્યો હતો. તેની સાથે નાગલપુરના તેના બે મિત્રો વિપુલ ઉર્ફે વલણ રઘુભાઈ રબારી અને કરણ બળદેવભાઈ રબારી પણ જોડાયા હતા. ત્રણેય મિત્રો મહેસાણા હાઈવે રોડ પર આવેલા પકવાન ડાઈનિંગ હોલ નીચે માધવી પાર્લર આગળ ઉભા હતા.
તે જ સમયે અચાનક એક સફેદ કલરની, કાળા કાચવાળી, નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કાર ત્યાં ધસી આવી હતી. સ્કોર્પિયોના ચાલકે પૂરી તાકાતથી પોતાની કાર ફોર્ચ્યુનરના આગળના ભાગે અથડાવી દીધી. માત્ર એકવાર નહીં, પરંતુ સતત બે થી ત્રણ વખત સ્કોર્પિયોને રિવર્સ લઈને ભયંકર ટક્કર મારવામાં આવી હતી. આ હુમલામાં ફોર્ચ્યુનરની ડ્રાઈવર સીટ પર બેઠેલા ભાવેશ રબારીને ડાબા હાથના પંજા પર ઈજા પહોંચી હતી.
કારમાં બેઠેલા ભાવેશ અને વિપુલ કંઈ સમજે તે પહેલાં જ, સ્કોર્પિયોની ડ્રાઈવર સીટ પરથી કોઈ અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાના ઈરાદે રિવોલ્વર જેવા હથિયારથી તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. પહેલો રાઉન્ડ ફાયર કર્યા બાદ, પાછળનો કાચ ખોલીને ફરીથી ફાયરિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ હુમલાખોરો નાગલપુર તરફ ફરાર થઈ ગયા હતા.
હુમલાથી ગભરાઈ ગયેલા ભાવેશ અને તેના સાગરીતો પોતાનો જીવ બચાવવા ફોર્ચ્યુનર કાર લઈને સીધા મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યાં હાજર પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રશાંતકુમાર અમૃતલાલ સમક્ષ તેઓએ પોતાની સાથે થયેલા જીવલેણ હુમલાની હકીકત વર્ણવી હતી. પરંતુ અહીંથી જ વાર્તામાં જબરદસ્ત વળાંક આવ્યો.
પોલીસે જ્યારે ફરિયાદ લખાવવા આવેલા યુવકોના નામ પૂછ્યા ત્યારે ખબર પડી કે આ કોઈ સામાન્ય નાગરિકો નથી. ફરિયાદી ભાવેશ ઉર્ફે ભાવેશ ઝીલીયા અને વિપુલ ઉર્ફે વલણ અગાઉથી જ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમની ઓળખ કુખ્યાત ‘મસ્તાની ગેંગ’ના સભ્યો તરીકે થતાં પોલીસ સતર્ક બની ગઈ હતી. પોલીસને શંકા ગઈ કે જે લોકો ખુદ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, તેઓની ગાડીમાં કંઈક વાંધાજનક હોઈ શકે છે.
પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક બે પંચોને બોલાવીને નંબર પ્લેટ વગરની સફેદ ફોર્ચ્યુનર કારની સઘન તપાસ શરૂ કરી. કારના આગળના ડેશબોર્ડની ડેકી ખોલતા જ પોલીસ પણ ચોંકી ગઈ. અંદરથી એક કાળા કલરની ગેરકાયદેસર રિવોલ્વર મળી આવી હતી. આ રિવોલ્વર પર ‘IOF’ લખેલું હતું અને અશોકસ્તંભનો લોગો પણ છાપેલો હતો. પંચોની હાજરીમાં રિવોલ્વરનું સિલિન્ડર ખોલતા તેમાંથી 6 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા.
આટલું જ નહીં, ફોર્ચ્યુનર કારની વચ્ચેની સીટ નીચેથી એક અત્યંત ઘાતક, લાકડાના હાથાવાળો 16 ઈંચ લાંબો ધારદાર છરો પણ મળી આવ્યો હતો. પોતાની પર હુમલાની ફરિયાદ કરવા આવેલા લોકો ખુદ ગાડીમાં લોડેડ હથિયારોનો મોટો જથ્થો લઈને ફરી રહ્યા હતા.
પોલીસે પૂછપરછ કરતાં ભાવેશ રબારીએ કબૂલાત કરી હતી કે, આ રિવોલ્વર તેની જ છે. આ ઘાતક હથિયાર તેણે ચારેક મહિના અગાઉ ગાંધીધામના રહેવાસી રામનારાયણ ઉર્ફે રાકેશ શર્મા નાથાણી પાસેથી 40,000 રૂપિયામાં ખરીદ્યું હતું.
પોલીસે આ સમગ્ર કાર્યવાહીમાં 40,000 રૂપિયાની રિવોલ્વર, 600 રૂપિયાના જીવતા કારતૂસ, 80,000 રૂપિયાની કિંમતના 3 હાઈ-એન્ડ મોબાઈલ ફોન સામેલ છે અને 10 લાખ રૂપિયાની કિંમતની ફોર્ચ્યુનર કાર મળીને કુલ 11,20,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે તરત જ ફરિયાદી મટી ગયેલા ભાવેશ બળદેવભાઈ રબારી, વિપુલ રઘુભાઈ રબારી અને કરણ બળદેવભાઈ રબારી વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટ કલમ 25(1-b)(a) અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત હથિયાર સપ્લાય કરનાર રાકેશ શર્માને પણ આરોપી બનાવવામાં આવ્યો છે, જે હાલ ફરાર છે.
ડીવાયએસપી મિલાપ પટેલની તપાસ અને એફએસએલના રિપોર્ટ મુજબ, હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક રાઉન્ડ ફાયર થયો હતો અને એક મિસફાયર થયો હોવાનું ખૂલ્યું છે. બંને પક્ષે ખૂંખાર ગેંગ હોવાથી આ કોઈ જૂની અદાવત કે ગેંગવોરનું પરિણામ હોવાની પ્રબળ શક્યતાઓ છે. મસ્તાની ગેંગ અગાઉ પણ હત્યાનો પ્રયાસ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે, ત્યારે મહેસાણા પોલીસ આ મામલાના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ ચલાવી રહી છે.

