ગિફ્ટ સિટી ગ્રાઉન્ડ ખાતે વિવિધ રાજ્યો અને સુરક્ષાદળોના આશરે ૫,૫૦૦ જવાનો દ્વારા પરેડ રિહર્સલ
જવાનોના રહેઠાણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ સુનિશ્ચિત કરવા તંત્ર સજ્જ; રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા સમીક્ષા કરાઈ
સેક્ટર-૨૮ અને ૨૯ના રહેઠાણ પરિસરમાં નિયમિત ફોગિંગ, મચ્છરદાની અને રાઉન્ડ-ધ-ક્લોક મેડિકલ સ્ટાફ તહેનાત
(જી.એન.એસ) તા. ૧૦
ગાંધીનગર,
આગામી તારીખ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનાર ભવ્ય પરેડની પૂર્વતૈયારીઓ ગાંધીનગર ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. આ પરેડમાં વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની ૨૦ માર્ચિંગ કન્ટીજન્ટ્સ, ૧૦ બેન્ડ કન્ટીજન્ટ્સ, ગાર્ડ ઓફ ઓનર અને ધ્વજવાહકો સહિત અંદાજે ૫,૫૦૦ જેટલા અધિકારીઓ અને જવાનો તારીખ ૨૧મી સપ્ટેમ્બરથી ગાંધીનગરના ગિફ્ટ સિટી ગ્રાઉન્ડ ખાતે નિયમિત પરેડ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ તમામ ટુકડીઓ તા. ૨૦મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ એકતા નગર જવા રવાના થશે અને ત્યાં આખરી રિહર્સલ કરશે.
પરેડ પ્રેક્ટિસમાં જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગાંધીનગરના સેક્ટર-૨૮ અને સેક્ટર-૨૯ ખાતે આવેલા R&B ક્વાર્ટર્સમાં સુચારુ રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી છે. રહેઠાણ સ્થળે શુદ્ધ પીવાનું પાણી, પૌષ્ટિક ભોજન, સ્વચ્છતા તેમજ તાત્કાલિક પ્રાથમિક સારવારની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે ગિફ્ટ સિટી ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ દરમિયાન પણ જરૂરી તબીબી ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.
પરેડ સાથે સંકળાયેલા જવાનોમાં તા. ૨૬/૦૯/૨૦૨૬ની આસપાસ ડેન્ગ્યુના લક્ષણો જણાતાં ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સઘન પગલાં લેવામાં આવ્યા છે. સેક્ટર-૨૮ અને સેક્ટર-૨૯ના રહેઠાણ વિસ્તારો તેમજ પરેડ ગ્રાઉન્ડ ખાતે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી છે. સાવચેતીના પગલારૂપે સમગ્ર પરિસરમાં નિયમિત ફોગિંગ અને એન્ટિ-લાર્વા કામગીરી હાથ ધરાઈ છે તેમજ નિયમિત સફાઈ કામગીરી ચાલુ છે. તમામ જવાનોને મચ્છરદાની પૂરી પાડવામાં આવી છે અને દરેક રૂમમાં મોસ્કિટો રિપેલન્ટ સાધનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુજરાત પોલીસ, બી.એસ.એફ. અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત મેડિકલ ટીમ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તાવ કે શરદીના લક્ષણો ધરાવતા જવાનો માટે રહેઠાણ સ્થળે જ અલગથી મેડિકલ દેખરેખ અને સારવારની વ્યવસ્થા ઊભી કરાઈ છે.
તા. ૦૭/૧૦/૨૦૨૬ના રોજ CRPF CoBRA બટાલિયનના કોન્સ્ટેબલ અમલ રામમોહન બર્મનનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. તેઓ તા. ૦૫/૧૦/૨૦૨૬ના રોજ રાત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ બનાવની જાણ થતાં જ રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ તેમજ સેક્ટર-૨૮ અને ૨૯ ખાતેના રહેઠાણ સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને તમામ જવાનોની આરોગ્ય સુરક્ષા અને સુવિધાઓમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તે માટે કડક સૂચનાઓ આપી હતી.

