(જી.એન.એસ) તા. ૬
મહેસાણા,
દેશ સહીત રાજ્યમાં નશાના કાળા કારોબાર સામે પોલીસની સક્રિયતાનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં, પાટનગર ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના અધિકારીઓ દ્વારા દરોડો પાડીને નશીલા પદાર્થોનું ગેરકાયદેસર ધંધો કરતા આરોપીઓ સામે કડક પગલા ભર્યા છે. મહેસાણામાં ભીડભાડવાળા ગોપીનાળા વિસ્તારમાંથી એસએમસીની ટીમને મળેલ બાતમીના આધારે સરપ્રાઈઝ રેડ કરીને ગેરકાયદેસર એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. ભરબજારે પડેલા આ દરોડાથી સ્થાનિક ગુનાખોરો અને ડ્રગ્સ પેડલરોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.
ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ખાસ ટીમે ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે મહેસાણાના ગોપીનાળા નજીક વોચ ગોઠવીને આ રેડ કરી હતી. ભરબજારમાં અચાનક પડેલા દરોડા દરમિયાન પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લીધો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસીની ટીમે પાડેલા આ દરોડાથી મહેસાણા પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.
એસએમસીની રેડ દરમિયાન કેટલી રકમનું, કેટલા ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમજ કયા આરોપીની અટકાયત કરવામાં આવી છે તે અંગે પોલીસે ગુપ્તતા જાળવી રાખી છે. એસએમસીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે કાયદેસરની વિધિવત એફઆઈઆર (FIR) નોંધાયા બાદ ડ્રગ્સના જથ્થા, તેની કિંમત અને પકડેલા આરોપીઓ અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને ડીલીવરી કરવાની હતી તે મામલે વધુ તપાસ કરવામાં આવી હતી.

