સુરતના વરાછા ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયની ઉપસ્થિતમાં ‘ફિટ ઇન્ડિયા- સન્ડે ઓન સાયકલિંગ’ થીમ સાથે સાયક્લોથોન યોજાઈ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા
(જી.એન.એસ) તા. ૬
સુરત,
‘ફિટ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વાસ્થ્ય, ફિટનેસ અને વ્યસનમુક્તિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના આશયથી સુરતના વરાછા ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં ‘ફિટ ઇન્ડિયા-‘સન્ડે ઓન સાયકલિંગ’ થીમ સાથે 89મી સાયક્લોથોન યોજાઈ હતી. ‘શિક્ષક દિન’ના ઉપલક્ષ્યમાં અને ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન’ના ઉદ્દેશ સાથે યોજાયેલી સાયકલ રેલીનો પ્રારંભ માનગઢ ચોક, વરાછા ખાતેથી થયો હતો. જે સરથાણા જકાતનાકા સ્થિત પ્રાણીસંગ્રહાલય ખાતે સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે,સામાજિક જાગૃતિના આશય સાથે દર અઠવાડિયે સમાજના કોઈ એક મહત્વપૂર્ણ પ્રશ્નને જોડીને દેશભરમાં ‘સન્ડે ઓન સાયકલિંગ’ અભિયાન યોજવામાં આવી રહ્યું છે. આજે દેશના ૨૫ હજારથી વધુ સ્થળો પર હજારો યુવાનો સાયકલિંગ કરીને ‘નશામુક્ત ભારત’ અભિયાન થકી ‘વિકસિત ભારત’નો સકારાત્મક સંદેશ આપી રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં દેશને ‘વિકસિત’ બનાવવાનો સંકલ્પ સેવ્યો છે. વિકસિત ભારત નિર્માણની પ્રાથમિક શરત દેશના નાગરિકોનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય છે. જેમ દૂધ એ સંપૂર્ણ આહાર છે, તેમ સાયકલિંગ એ સંપૂર્ણ વ્યાયામ છે. ‘સન્ડે ઓન સાયકલિંગ’ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ સાયકલિંગને આપણી દૈનિક જીવનશૈલીનો નિયમિત ભાગ બનાવવાનો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ યુવાશક્તિને બિરદાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રીના ‘નશા મુક્ત ભારત અભિયાન’ અને મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના ‘સન્ડે ઓન સાયકલિંગ’ના સંકલ્પને સાકાર કરવા સુરતના હજારો યુવાનો આજે સાયકલ સાથે રસ્તા પર ઉતર્યા છે તે દેશના યુવાનો માટે પ્રેરણાદાયી છે.
શ્રી સંઘવીએ ઉમેર્યું કે, યુવાનો જ દેશનું ભવિષ્ય છે. જ્યારે યુવાશક્તિ વ્યસનથી દૂર રહીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવશે ત્યારે જ સક્ષમ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ શક્ય બનશે. સાયકલિંગ શારીરિક તંદુરસ્તી સાથે મનને પણ ઊર્જાવાન અને સકારાત્મક રાખવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. દૈનિક જીવનમાં ફિટ રહેવાના આ સંકલ્પને વધુ દ્રઢ બનાવીને ‘સ્વસ્થ ભારત’ બનાવવા શ્રેષ્ઠ યોગદાન આપીએ એમ જણાવી યુવાનોને વ્યસનમુક્ત બનવા, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને ઉજ્જવળ ભાવિ ઘડવા આહ્વાન કર્યું હતું.આ સાયકલોથોનમાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ, ‘સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા’ વિસ્પી ખરાદી, ‘આયર્ન ટીથ મેન ઓફ ઇન્ડિયા’ રાકેશ સૈની તેમજ ‘બોડી આર્કિટેક્ટ’ ભીષ્મ મદાહની સહિત રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાયા હતા.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી ગોવિંદભાઇ ધોળકિયા, મેયરશ્રી માયાબેન માવાણી, ધારાસભ્ય સર્વશ્રી કુમારભાઈ કાનાણી, કાંતિભાઈ બલર, જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમાર, પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સહિત યુવાનો અને ઉત્સાહી શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

