(જી.એન.એસ) તા. ૬
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે ખુબજ ,હ્ત્વનું અને મોટું યોગદાન આપનાર શાસ્ત્રી શ્રીહરિપ્રકાશદાસ સ્વામીનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી સંતો, હરિભક્તો, વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક જગતમાં શોકની લાગણી પ્રસરી છે. તેમના અંતિમ સંસ્કાર બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે કરવામાં આવશે.
શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીનો જન્મ 12 ઓગસ્ટ, 1929ના રોજ સાળંગપુર નજીકના લાઠીદડ ગામમાં થયો હતો. બાળપણથી જ સત્સંગના સંસ્કાર પ્રાપ્ત કરનાર જેઠાભાઈએ નાની ઉંમરે જ સંસારનો ત્યાગ કરી સાધુજીવન અપનાવ્યું હતું. વડતાલ ખાતે ભાગવતી દીક્ષા બાદ ‘સાધુ હરિપ્રકાશદાસ’ નામ પ્રાપ્ત કર્યું હતું.
શ્રીહરિપ્રકાશદાસ સ્વામી એ સંસ્કૃત, વૈદિક દર્શન અને હિન્દુ ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસ માટે તેમણે વડતાલ, નાસિક અને બનારસમાં આશરે 16 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ઉચ્ચ શૈક્ષણિક પદવીઓ પ્રાપ્ત કર્યા બાદ તેમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજના શૈક્ષણિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે કર્યો.
1972માં સત્સંગ શિક્ષા પરિષદ્ ટ્રસ્ટની સ્થાપના કરી ગાંધીનગરમાં શૈક્ષણિક સંકુલના નિર્માણનો સંકલ્પ સાકાર કર્યો. સેક્ટર-22 ખાતે 1975માં ગુરુકુલ સંકુલ શરૂ થયું. આજે ગાંધીનગર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત શાળા-ગુરુકુલોમાં 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સંસ્કાર મેળવી રહ્યા છે.
શાસ્ત્રી સ્વામીએ શિક્ષણને માત્ર રોજગાર મેળવવાનું સાધન નહીં પરંતુ ચારિત્ર્ય નિર્માણનું માધ્યમ ગણાવ્યું હતું. ગાંધીનગરમાં બાળમંદિરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિકસાવવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું. પછાત વર્ગના બાળકોને મફત શિક્ષણ મળે તે માટે પણ તેમણે સંસ્થાકીય પ્રયાસો કર્યા હતા.
શિક્ષણ ઉપરાંત સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યના સંરક્ષણ અને પ્રકાશનમાં પણ અવિસ્મરણીય સેવા આપી. ગાંધીનગર ખાતે ‘શ્રીસ્વામિનારાયણ સાહિત્ય પ્રકાશન મંદિર’ની સ્થાપના કરી અનેક ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથો પ્રકાશિત કરાવ્યા હતા. શ્રીહરિચરિત્રામૃતસાગર, શિક્ષાપત્રી અર્થદીપિકા, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, શ્રીહરિવાક્ય સુધા સિન્ધુ સહિતના અનેક ગ્રંથો દ્વારા તેમણે સાહિત્ય ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું.
સત્ય અને સિદ્ધાંતની વાત નિર્ભીકતાથી રજૂ કરનાર શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીના અવસાનથી શિક્ષણ, સંસ્કાર અને સાહિત્ય જગતમાં એક મોટી ખોટ પડી છે.

