હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
(જી.એન.એસ) તા. ૬
ગાંધીનગર,
ઘણા દિવસોના વિરામ બાદ ચોમાસુ ફરી સક્રિય થતા દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યભરમાં છૂટા છવાયા સ્થળોએ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની વેબસાઈટ IMD મુજબ દક્ષિણ ગુજરાતથી ઉત્તર બાંગ્લાદેશ સુધી સાક્લોનિક સર્ક્યુલેશનથી લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. હવામાન વિભાગ મુજબ લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા તથા છોટા ઉદેપુરમાં આગામી 9 સપ્ટેમ્બર સુધી કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
નોંધનીય છે કે, ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છેલ્લા 1 માસથી વરસાદની અછત વર્તાઈ રહી છે. જુલાઈ માસમાં સારા વરસાદ બાદ ઓગસ્ટ મહિનો કોરો ધાકોર રહ્યો હતો. ખેડૂતોએ સારા વરસાદ બાદ વાવણી તો કરી દીધી હતી, પરંતુ બાદમાં વરસાદ ન વરસતા પાક નિષ્ફળ જવાના ભયે ખેડૂતો ચિંતિત છે. એવામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા પાકને નવું જીવનદાન મળવાની આશા બંધાઈ છે.
ગુજરાતમાં આ ચોમાસામાં 5 સપ્ટેમ્બર 2026 સુધી પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં હાલની સ્થિતિએ 25 ટકા સુધી વરસાદની ઘટ છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 75.49 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન મુજબ વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 104 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં સૌથી ઓછો 29.49 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 56.23 ટકા, મધ્ય ગુજરાતમાં 75 ટકા અને સૌરાષ્ટ્રમાં 56.07 ટકા વરસાદ અત્યાર સુધી નોંધાયો છે.

