સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે જાણકારી આપતું મલ્ટીમીડિયા પ્રદર્શન
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ભૂજનું અનેરું આયોજન
(જી.એન.એસ) તા. ૨૮
કચ્છના સૌથી મોટા યક્ષના મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ભૂજ દ્રારા વિકસિત ભારત @2047 તેમજ સ્વચ્છતા હી સેવા વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદઘાટન રાજ્ય મંત્રી શ્રીત્રિકમભાઈ છાંગાના હસ્તે ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ અને ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. નખત્રાણા નગર પાલિકા પ્રમુખ શ્રી વસીમભાઈ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી દિનેશભાઈ, સાયરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જયંતીભાઈ, પ્રાંત અધિકારી શ્રી ઉત્કર્ષ ઉજ્જવલ, મામલતદાર શ્રી રાકેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી હાર્દિકભાઈ ગઢવીની પ્રેરક ઉપસ્થિતિ તેમજ નખત્રાણા તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય પ્રદર્શન સહિતના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પ્રદર્શનની મુલાકાત લેતા રાજ્ય મંત્રી શ્રીત્રિકમભાઈ છાંગાએ મેળાના મુલાકાતીઓને અહીં એક જ સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડતા આ પ્રદર્શનના આયોજનની સરાહના કરી હતી. વધુમાં મંત્રીશ્રી એ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં કુશળ નેતૃત્વમાં દેશનાં દરેક વર્ગના લોકોને ઊપયોગી એવી અનેક યોજનાઓ અમલમાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આવી યોજનાઓનો સીધો લાભ તેના લાભાર્થીઓને મળે છે. જેનાથી તેમના જીવનમાં ખુશીઓ આવી રહી છે અને તેમનું જીવન સરળ અને સુખાકારી ભર્યું બની રહ્યું છે.

કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે તારીખ 30 સપ્ટેમ્બર સુધી મોટા યક્ષ મેળા ખાતે મલ્ટીમીડિયા એક્ઝિબિશન સહિતનાં કાર્યક્રમને જાહેર જનતા માટે આજ રોજ ખુલ્લો મુકાયો છે. 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના જે વિષય અંતર્ગત સરકારની સિદ્ધિઓ અને વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ સાથે દેશમાં ચાલી રહેલા રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જનભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે સ્વચ્છતા હી સેવા અભિયાનને વેગ મળે અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તેવા આશય સાથે વિભિન્ન સ્પર્ધાઓ સહિત અનેકવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજના અધિકારી શ્રી કે આર મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ પાંચ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતાને નિશુલ્ક પ્રવેશ રહેશે. તેમજ આગામી દિવસોમાં પ્રદર્શન સ્થળ પર વિભિન્ન સ્પર્ધાઓ અને માહિતી સભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
પ્રદર્શન સ્થળ પર મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, આઈસીડીએસ વિભાગ, નશાબંધી ખાતું, પોસ્ટ વિભાગ, મિશન મંગલમ વિભાગ, જેવા વિભિન્ન સરકારી વિભાગો દ્વારા જાણકારી અને માહિતી આપતા તેમજ નિદર્શન કરતા વિભિન્ન સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો સીધો લાભ મેળાના મુલાકાતીઓ લઈ શકે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત નિશુલ્ક રોપા વિતરણનું આયોજન પણ પ્રદર્શન સ્થળ પર કરવામાં આવ્યું છે. મેળામાં આવનાર લોકો આ પ્રદર્શનની અચૂક મુલાકાત લઈ વધુમાં વધુ તેનો લાભ મેળવે તે માટેની અપીલ કરવામાં આવી છે

