(જી.એન.એસ) તા. ૩૧
અંબાજી મુકામે આગામી તા. ૨૦/૦૯/૨૦૨૬થી તા. ૨૬/૦૯/૨૦૨૬ દરમિયાન વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો–૨૦૨૬નું આયોજન કરવામાં આવનાર છે. ભાદરવી પૂનમના પવિત્ર પર્વ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશના અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો તથા પદયાત્રીઓ માતાજીના દર્શનાર્થે અંબાજી ધામે પધારતા હોય છે.
મહામેળાના સમયગાળા દરમિયાન યાત્રાળુઓને ભોજન, પીવાનું પાણી, આરામ, આરોગ્ય તથા અન્ય જરૂરી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી વિવિધ સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો તથા માઈભક્તો દ્વારા માર્ગો ઉપર તેમજ વિવિધ સ્થળોએ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન યોજાતા સેવા કેમ્પો યાત્રાળુઓની સુવિધા અને સેવાભાવની પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે.
મહામેળા દરમિયાન સેવા કેમ્પોની કામગીરી વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સંકલિત રીતે થઈ શકે તેમજ સેવા કેમ્પોની જરૂરી વિગતો વહીવટી તંત્રને સમયસર ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી ભાદરવી પૂનમ મહામેળો–૨૦૨૬ માટે સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણીનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
મહામેળા દરમિયાન સેવા કેમ્પનું આયોજન કરવા ઇચ્છતા તમામ સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો તથા આયોજકોએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીની સત્તાવાર વેબસાઇટ www.ambajitemple.in ઉપર ઉપલબ્ધ ઓનલાઇન પોર્ટલ મારફતે નોંધણી કરાવવાની રહેશે.
ઓનલાઇન નોંધણી દરમિયાન સેવા કેમ્પનું નામ, આયોજક સંસ્થા અથવા મંડળની વિગતો, જવાબદાર વ્યક્તિનું નામ તથા સંપર્ક નંબર, સેવા કેમ્પનું સ્થળ, સેવા કેમ્પમાં આપવામાં આવનાર સેવાઓની વિગતો તેમજ પોર્ટલમાં માંગવામાં આવેલી અન્ય જરૂરી માહિતી સંપૂર્ણ રીતે ભરવાની રહેશે.
ઓનલાઇન નોંધણી પૂર્ણ કર્યા બાદ પોર્ટલ ઉપર સેવા કેમ્પ દ્વારા નોધણી કરેલ રજિસ્ટ્રેશન ફોર્મ તથા ફાયર સેફ્ટી અંગેનું સ્વ-બાંહેધરી પત્રકની જરૂરી વિગતો સાથે એસ.ડી.એમ. કચેરી, દાંતા ખાતે જમા કરાવવાનું રહેશે.
ઓનલાઇન નોંધણીમાં રજૂ કરવામાં આવેલી વિગતો, સેવા કેમ્પનું સ્થળ તથા જરૂરી દસ્તાવેજોની એસ.ડી.એમ. કચેરી, દાંતા દ્વારા ચકાસણી કરવામાં આવશે. ચકાસણી પૂર્ણ થયા બાદ નિયત નિયમો અને શરતોનું પાલન થતું હોવાનું જણાય તેવા સેવા કેમ્પોને એસ.ડી.એમ.શ્રી, દાંતા દ્વારા નિયમોનુસાર મંજૂરી આપવામાં આવશે.
મંજૂરી મેળવનાર સેવા કેમ્પોના આયોજકોએ ફાયર સેફ્ટી, વીજ સુરક્ષા, સ્વચ્છતા, પીવાના પાણી તથા ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, યાત્રાળુઓની સલામતી, ટ્રાફિક વ્યવસ્થા તેમજ જાહેર માર્ગ ઉપર અવરજવર અવરોધાય નહીં તેની ખાસ તકેદારી રાખવાની રહેશે.
સેવા કેમ્પના સ્થળે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી ડસ્ટબિન તથા કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની રહેશે. સેવા કેમ્પ શરૂ થવાથી લઈને સેવા પૂર્ણ થાય ત્યાં સુધી કેમ્પના સ્થળ તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી સંબંધિત આયોજક સંસ્થાની રહેશે.
સેવા કેમ્પના સંચાલન દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, એસ.ડી.એમ. કચેરી, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા યાત્રાળુઓની સલામતી અને મહામેળાના સુચારુ સંચાલન માટે આપવામાં આવતી સૂચનાઓનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.
સેવા કેમ્પોએ તેમને મંજૂર કરવામાં આવેલ સ્થળ, સમયગાળો તથા સેવા અંગેની શરતો અનુસાર જ કામગીરી કરવાની રહેશે. મંજૂર કરાયેલા સ્થળ અથવા વ્યવસ્થામાં વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી વિના કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
આથી ભાદરવી પૂનમ મહામેળો–૨૦૨૬ દરમિયાન સેવા કેમ્પનું આયોજન કરવા ઇચ્છતા તમામ સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો તથા આયોજકોને www.ambajitemple.in ઉપર તાત્કાલિક ઓનલાઇન નોંધણી પૂર્ણ કરી, જરૂરી રજિસ્ટ્રેશન ફોર્મ તથા ફાયર સેફ્ટી અંગેનું સ્વ-બાંહેધરી પત્રક એસ.ડી.એમ. કચેરી, દાંતા ખાતે જમા કરાવી નિયમોનુસાર મંજૂરી મેળવી લેવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

