(જી.એન.એસ) તા. ૧૦
હિંમતનગર,
સાબરકાંઠા પોલીસ દ્વારા દારૂબંધી નું કડક પાલન કરવામાં આવી રહ્યું છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે જેમાં, હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવીને કાયદાનો ડર ભૂલેલા બુટલેગરોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયો સામે આવતા જ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને હદ વટાવતા વર્તન સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી બે બુટલેગરોની ધરપકડ કરી છે.
મીડિયા સુત્રો પાસેથીમળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં હિંમતનગરના એક જાહેર રોડ પર વિદેશી દારૂની બોટલો લાઈનમાં ગોઠવેલી જોવા મળી હતી. હિંમતનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ વીડિયોની તપાસ કરી તો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ કરતૂત મુકેશ ભાટ અને શ્રવણ ભાટ નામના બુટલેગરની જ હતી.
આરોપીની ધરપકડ બાદ પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે બુટલેગરે પોતાના મોપેડમાં દારૂનો જથ્થો ગોઠવ્યો હતો અને ત્યારબાદ તેમાંથી બોટલો કાઢીને રસ્તા પર પ્રદર્શન કર્યું હતું. આ મામલાની ગંભીરતાને જોઈને હિંમતનગર પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આ ગુનામાં સામેલ બે બુટલેગરો ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો તેમની પાસે ક્યાંથી આવ્યો અને હિંમતનગરમાં તેમને આ માલ કોણે આપ્યો હતો, તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

