વિકાસકાર્યોમાં વિલંબને ટાળવા માટે નવી SOP બનાવવા મુખ્યમંત્રીશ્રીનો આદેશ: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને પાયાના સ્તર સુધી મજબૂત કરવા પંચાયત સ્તરે અલગ ‘હેડ’ ઊભું કરવા સૂચના
(જી.એન.એસ) તા. ૨૭
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ વહીવટમાં પારદર્શિતા અને ઝડપ લાવવાની સાથે નાગરિકોની સુવિધાને પ્રાધાન્ય આપવા માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે.
મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચોમાસાના આગમનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પ્રી-મોન્સૂન કામગીરી અત્યંત વેગથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. વરસાદ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્રને સુસજ્જ રહેવા તાકીદ કરવામાં આવી છે.
વધુમાં, શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા વિકસિત કરવામાં આવેલા જે તળાવો ખાલી છે, તેને ભરવા માટે તાત્કાલિક પાણીના સ્ત્રોત શોધીને સત્વરે પાણી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યના વિવિધ વિકાસકાર્યોમાં ગતિ લાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ વિવિધ પ્રોજેક્ટ્સની સઘન સમીક્ષા શરૂ કરી છે. પ્રોજેક્ટ્સ મંજૂર થયા બાદ શરૂઆતમાં થતો વિલંબ ટાળવા માટે, ખાસ કરીને જમીન સંપાદન અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોની NOC જેવી મંજૂરીઓ સત્વરે મળી જાય તે અત્યંત જરૂરી છે. આ પ્રક્રિયાને વેગ આપવા માટે નવી SOP બનાવવા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મુખ્ય સચિવશ્રીને સૂચના આપી છે.
આ ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા પણ મુખ્યમંત્રીશ્રીએ કડક સૂચના આપી છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે કોઈ ક્ષતિ ન રહે, ખાસ કરીને બિલ્ડિંગના લાઇન-લેવલ અને ફ્લોરિંગ જેવી નાની બાબતોમાં પણ એન્જિનિયરો દ્વારા દુર્લક્ષ ન સેવાય તેની તકેદારી રાખવા તથા જ્યાં પણ ત્રુટિઓ જણાય ત્યાં ત્વરિત સુધારો કરવા મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા શહેરી વિકાસ વિભાગને જરૂરી ફંડની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છતા હી સેવા’ના અભિયાનને પાયાના સ્તર સુધી મજબૂત કરવા માટે ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગ ‘હેડ’ ઊભું કરવા માટે પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચન કર્યું છે.

