(જી.એન.એસ) તા. ૨૭
અમદાવાદ,
અમદાવાદના પોશ વિસ્તાર એવા નહેરુનગર પાસે ફાયરિંગની ઘટના બની છે. 5 રાઉન્ડ ફાયરિંગ થયાની આશંકા. નિવૃત્ત DySPએ ફાયરિંગ કર્યુ હતું.
નેહરુનગર વિસ્તારમાં બુધવારે જમીનના વિવાદને પગલે એક નિવૃત્ત ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. બે જૂથો વચ્ચે ચાલી રહેલા જમીન સંબંધી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના ઘટી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મીડિયા સુત્રોપાસેથી મળતી માહિતી મુજબ, વિવાદિત જમીન પર બંને પક્ષોના આશરે પાંચથી છ લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આ વિવાદ એટલો વધી ગયો કે ત્યાં હાજર નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે પોતાની પિસ્તોલ કાઢીને હવામાં એક પછી એક એમ પાંચ રાઉન્ડ (બે રાઉન્ડ નીચે જમીનમાં અને ત્રણ રાઉન્ડ ઉપર હવામાં) ફાયરિંગ કરી દીધું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા થઈ નથી.
આ આખી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, જેમાં નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણ કહી રહ્યા છે કે મારી મંજૂરી વગર આ પ્રોપર્ટીમાં તમે પગ કેવી રીતે મૂક્યો, બહાર નીકળો નહીંતર લાશો પડી જશે, કોર્ટમાં મળીશું, તેમ કહી એક બાદ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરે છે.
મહત્વનું છે કે, નિવૃત્ત ડીવાયએસપી સામે આ ફાયરિંગ કરવા બદલ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલને કબજે કરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ બંને પક્ષોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઘટનાની સત્યતા તપાસવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ જમીનની માલિકી અને કબજા અંગેના વિવાદની ઉંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

