જનતા પર મોંઘવારીનો વધુ એક માર???
(જી.એન.એસ) તા. ૧૩
ગાંધીનગર,
મોંઘવારીના જમાનામાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેણે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અમૂલ દ્વારા પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે, જે આવતીકાલથી એટલે કે 14 મે 2026 થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે.
મહત્વનું છે કે, અમૂલ દ્વારા કરવામાં આવેલો આ વધારો મુખ્ય વેરિઅન્ટ અને પેક પર લાગુ પડશે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તમ વેચાણ કિંમતમાં 2.5% થી 3.5% સુધીનો વધારો થયો છે. જોકે, ફેડરેશનનું કહેવું છે કે આ વધારો વર્તમાન સરેરાશ ખાદ્ય ફુગાવા કરતાં ઓછો છે. નોંધનીય છે કે, અમૂલ દૂધના ભાવમાં છેલ્લે મે-2025માં ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એક વર્ષ પછી આ વધારો અમલી બન્યો છે.
જાણો કયા દૂધમાં કેટલો વધારો થયો?
અમૂલના વિવિધ બ્રાન્ડના દૂધના 500 મિલી અને 1 લિટરના પેકેટ પર ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે:
અમૂલ બફેલો: 500 મિલીના ₹37ને બદલે હવે ₹39 ચૂકવવા પડશે.
અમૂલ ગોલ્ડ: 500 મિલીનો ભાવ ₹34થી વધીને ₹35 થયો છે, જ્યારે 1 લિટરનો ભાવ ₹67થી વધી ₹69 થયો છે.
અમૂલ શક્તિ: 500 મિલીના ભાવમાં ₹1નો વધારો થતા નવો ભાવ ₹32 થયો છે.
અમૂલ તાજા: 500 મિલીના ₹28ના બદલે ₹29 અને 1 લિટરના ₹55ને બદલે ₹57 ચૂકવવા પડશે.
અમૂલ ટી સ્પેશિયલ: 500 મિલીનો ભાવ ₹32થી વધી ₹33 અને 1 લિટરનો ભાવ ₹63થી વધીને ₹66 થયો છે.
આ ભાવ વધારા પાછળ મુખ્યત્વે પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો જવાબદાર છે. છેલ્લા એક વર્ષમાં પશુ આહાર, દૂધ પેકેજિંગ ફિલ્મ અને બળતણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અમૂલના સભ્ય સંઘોએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોને ચૂકવવામાં આવતા ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂ. 30 (આશરે 3.7%) નો વધારો કર્યો છે.
તે વાત પણ ઉલ્લેખનીય છે કે, અમૂલની સહકારી માળખાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ગ્રાહકો પાસેથી મેળવેલા પ્રત્યેક રૂપિયામાંથી આશરે 80 ટકા રકમ સીધી દૂધ ઉત્પાદકોને પરત આપે છે. આ ભાવ વધારાનો મોટો હિસ્સો પણ સીધો 36 લાખ દૂધ ઉત્પાદકો પાસે જશે, જે તેમને દૂધનું ઉત્પાદન વધારવા અને પશુપાલન વ્યવસાયમાં ટકી રહેવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.આ નિર્ણયથી સામાન્ય ગૃહિણીઓના બજેટ પર અસર પડશે, પરંતુ બીજી તરફ લાખો પશુપાલકોને તેમના વધતા ખર્ચ સામે રક્ષણ મળશે.

