(જી.એન.એસ) તા. 18
અમદાવાદ,
ચૂંટણી પર્વ, દેશનું ગર્વ: શાળાઓમાં સર્જાયેલા આકર્ષક પોસ્ટરો અને ચિત્રો જાહેર સ્થળોએ પ્રદર્શિત કરી નાગરિકોને અચૂક મતદાન માટે પ્રેરિત કરાશે

આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓમાં જન-જનની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન (SVAP) પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ ૬૨૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી મેકિંગ અને પોસ્ટર મેકિંગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ ઉત્સવમાં કલા અને સર્જનાત્મકતાનો સમન્વય સાધીને વિદ્યાર્થીઓએ મતદાનનું મહત્વ સમજાવતા આકર્ષક કલાકૃતિઓ તૈયાર કરી હતી.
આ પ્રવૃત્તિમાં જિલ્લાભરમાંથી અંદાજે ૩૮,૭૮૪ જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ‘મારો મત, મારો અધિકાર’ અને ‘લોકશાહીનું મહાપર્વ’ જેવી થીમ પર પોતાની કલ્પનાશક્તિ દ્વારા સુંદર ચિત્રો, રંગોળી અને પ્રેરણાદાયી પોસ્ટરો બનાવ્યા હતા. આ કલાકૃતિઓને સ્થાનિક સ્તરે જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેથી સામાન્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે. જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ ઓફિસર SVAP દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં આ જ રીતે રંગોળી સ્પર્ધા, માનવ સાંકળ અને જાગૃતિ રેલી જેવા કાર્યક્રમો યોજીને સમગ્ર જિલ્લામાં લોકશાહીના પર્વનો માહોલ જીવંત રાખવામાં આવશે.

