(જી.એન.એસ) તા. ૩૧
વલસાડ,
એક તરફ સમગ્ર રાજ્યમાં ભયંકર ગરમી નો પ્રકોપ છે ત્યાં બીજી બાજુ હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં વરસાદી જપ્ત વરસ્યા હતા જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે અચાનક પલટો આવ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી પડી રહેલી આગ ઝરતી ગરમી અને અસહ્ય ઉકળાટથી સેકાતા લોકો માટે મેઘરાજા આશીર્વાદ બનીને વરસ્યા છે. જિલ્લાના વાપી, વલસાડ, ધરમપુર અને કપરાડા સહિતના ચાર તાલુકાઓમાં વરસાદ પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદી માહોલને કારણે અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક નાગરિકોએ થોડે અંશે રાહત અનુભવી છે.
શનિવારે (30મી મે) મધરાતથી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વાપી, વલસાડ અને ધરમપુરમાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વાપી શહેરમાં રાત્રિના સમયે અંદાજે 15 મિનિટ સુધી મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ટૂંકા ગાળાના પરંતુ જોરદાર વરસાદી ઝાપટાને લીધે નીચાણવાળા વિસ્તારો અને ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. બીજી તરફ, રવિવારે (31મી મે) સવારના સમયે પણ વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જારી રહ્યો હતો. જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડા તાલુકામાં આજે સવારે બે કલાકના સમયગાળામાં સત્તાવાર 7 મિ.મી. વરસાદ નોંધાયો છે.
પરંતુ આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી નાખ્યો છે!!
આ અચાનક આવેલા પ્રિ-મોન્સૂન વરસાદને કારણે આંબાવાડીઓમાં લટકતી કેરી પાક પર પાણી પડતાં ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ પણ વર્તાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, મે મહિનાના અંતિમ સપ્તાહમાં વલસાડ જિલ્લામાં રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું હતું. કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા અને અસહ્ય બફારાને લીધે સ્થાનિકો બીમારીની ઝપેટમાં પણ સપડાયા હતા. આ કપરા સમય વચ્ચે ગઈકાલ મધરાતથી શરૂ થયેલા વરસાદે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરાવી દીધી છે, જેનાથી જનજીવનને મોટી શાંતિ મળી છે.

