વરતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા રાજદીપસિંહ ગોહિલની પણ ધરપકડ
(જી.એન.એસ) તા. ૧
ભાવનગર,
સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારા ૧૩ લોકો જીવ ગયા તેવા ભાવનગરના નકલી દારુકાંડમાં અત્યાર સુધીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ૩૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ૩૯માં આરોપી તરીકે પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલની સંડોવણી સામે આવતા અને તેમની શંકાસ્પદ ભૂમિકાને જોતા ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અત્યાર સુધીમાં પોલીસ કર્મચારી સહિત કૂલ 39 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. રાજદીપસિંહ ગોહિલ વરતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. ગગનદીપ ગંભીરની તપાસના અંતે તેમની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
આ ઘટનામાં એસએમસીના વડા ગગનદીપ ગંભીર છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી આ કેસની તપાસ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં પોલીસ વિભાગમાં પણ વધુ ચોંકાવનારા પરિણામો જોવા મળી શકે છે. તપાસકર્તા અધિકારી અજીતના મતે હજુ પણઅન્ય પોલીસકર્મીઓ અને કર્મચારીઓની સંડોવણી પણ ખૂલી શકે છે.
હાલમાં એસએમસીના અધિકારીઓ દ્વારા આ કેસની ખુબજ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે જેમા PI, PSI સહિત અન્ય કોન્સ્ટેબલોના નિવેદનો પણ લેવાનાર છે જેના આધારે ચોંકાવનારી વિગતો ખૂલવાની અને હજુ નવી ફરિયાદો થવાની તેમજ બદલીઓ અને ટ્રાન્સફર થવાની પણ પુરી શક્યતા છે. SMC ની ટીમના વડાના જણાવ્યા અનુસાર આ ઘટનામાં જ્યાં જ્યાં થોડાઘણા પણ લૂપહોલ્સ જણાશે કે થોડે ઘણે અંશે પણ કોઈ કર્મચારીનું ઈન્વોલ્મેન્ટ હશે અથવા બેજવાબદારી હશે તો તેમને પણ છોડવામાં નહીં આવે. જો કે આ તમામ બાબતો તો તપાસને અંતે જ સામે આવશે. હાલ રાજદીપસિંહ ગોહિલની ધરપકડ માત્ર શરૂઆત છે અને ભાવનગર લઠ્ઠાકાંડની તપાસ વધુ ઊંડાણપૂર્વક આગળ વધી રહી છે, જેમાં અનેક મોટા માથાઓની સંડોવણી પણ સામે આવી શકે છે.

