માતાજીના ‘ભુવા’ બની સિનિયર સિટીઝનને ફસાવતા મદારી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડતી અમદાવાદ પોલીસ
(જી.એન.એસ) તા. ૧
અમદાવાદ,
લોકોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં કામગીરી કરી રહી છે તેનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે જેમાં એલસીબી ઝોન-7ની ટીમે સિનિયર સિટીઝનને ધાર્મિક વિધિ અને માતાજીના આશીર્વાદના નામે વાતોમાં ફસાવી સોનાના દાગીના પડાવી લેતી કથિત મદારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ગુનામાં સંડોવાયેલો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને મંદિરે દર્શન કરવા જતા સિનિયર સિટીઝનને નિશાન બનાવતા હતા.
આ કેસનો બનાવ 30 મે, 2026ના રોજ વટવા વિસ્તારમાં મહાલક્ષ્મી તળાવ પાસે બન્યો હતો. વટવા વોર્ડ સબ-ઝોનલ ઓફિસમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય ગીતાબેન ચૌહાણ મહાલક્ષ્મી તળાવ નજીક ચોઈસ ફાસ્ટ ફૂડ પાસે રસ્તાની સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન સવારે આશરે 9.30 વાગ્યે ત્રણ વ્યક્તિઓ ઓટોરિક્ષામાં ત્યાં આવ્યા હતા.
ત્રણ પૈકી એક વ્યક્તિએ સફેદ શર્ટ પહેર્યો હતો અને તેણે ગીતાબેનને પોતે ખોડિયાર માતાનો ‘ભુવા’ હોવાનું કહી વાતચીત શરૂ કરી હતી. આરોપીએ નિકોલમાં આવેલા ખોડિયાર માતાના મંદિરનો રસ્તો પૂછ્યો હતો. ત્યારબાદ તેણે ગીતાબેન પાસે એક રૂપિયાનો સિક્કો માંગ્યો હતો. ગીતાબેને તેને બે રૂપિયાનો સિક્કો આપતા આરોપીએ સિક્કો પરત આપીને તેને પર્સમાં રાખવા કહ્યું હતું અને માતાજીના આશીર્વાદથી બધું સારું થઈ જશે તેવી વાત કરી હતી.
આ રીતે શરૂઆતમાં વિશ્વાસ કેળવ્યા બાદ આરોપીએ ગીતાબેન પાસેથી અન્ય વસ્તુઓ પણ માંગવાનું શરૂ કર્યું હતું. વાતોમાં આવી ગયેલા ગીતાબેને ગળામાં પહેરેલી સોનાની ચેન કાઢીને તેને આપી હતી. આ ચેન આશરે 10 ગ્રામની હતી. આરોપીએ થોડા સમય બાદ ચેન પરત કરી હતી અને ત્યારબાદ ત્રણેય વ્યક્તિઓ ઓટોરિક્ષામાં બેસીને ત્યાંથી નીકળી ગયા હતા.
જોકે, ગીતાબેને ચેન તપાસતા તેમને ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સોનાની ચેનનો આશરે અડધો ભાગ ગાયબ હતો. ફરિયાદ મુજબ, ચોરી થયેલા સોનાનું વજન આશરે 5 ગ્રામ અને તેની કિંમત આશરે ₹60 હજાર હતી. વ્યક્તિગત કામના કારણે ગીતાબેને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો નહોતો, પરંતુ બાદમાં તેમણે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને એલસીબી ઝોન-7ની ટીમ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવામાં આવ્યું હતું. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે અગાઉના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની હિલચાલ અંગે માહિતી મેળવી હતી. CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે શંકાસ્પદ આરોપીઓ સુધી પહોંચીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે દહેગામના મૂળ રહેવાસી અને હાલ અમદાવાદમાં રહેતા 26 વર્ષીય પવનનાથ ઠાકોરનાથ ચૌહાણ તથા 25 વર્ષીય રમેશનાથ ઉર્ફે હાપુડી નટવરનાથ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેમની પાસેથી સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને લઈને LCB ઝોન-7 એલર્ટ મોડમાં હતી. તે દરમિયાન વટવા વિસ્તારમાં સિનિયર સિટીઝનને માતાજીના ભુવા તરીકે ઓળખ આપી વાતોમાં ફસાવી સોનાની ચેનના ભાગ પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને પવનનાથ ચૌહાણ અને રમેશનાથ ચૌહાણને ઝડપી પાડ્યા છે.
આ મામલે ડીસીપી શિવમ વર્માના જણાવ્યા મુજબ, આરોપીઓ પોતાને માતાજીના ભુવા તરીકે ઓળખાવતા અને દૈવી શક્તિ હોવાનો વિશ્વાસ ઊભો કરતા હતા. શરૂઆતમાં તેઓ ખૂબ જ નાની રકમથી વાતચીત શરૂ કરતા. એક રૂપિયો આપવા કહેતા, ત્યારબાદ તે પરત આપીને સામેની વ્યક્તિનો વિશ્વાસ જીતતા અને ધીમે ધીમે વાતને આગળ વધારી મોંઘી વસ્તુઓ સુધી પહોંચતા હતા. તક મળતા જ સોનાની ચેન કે અન્ય કિંમતી વસ્તુ લઈને ત્યાંથી ફરાર થઈ જતા હતા.
આ મામલે પોલીસની ટીમે કરેલી તપાસ મુજબ, આ કથિત ગેંગના મુખ્ય ટાર્ગેટ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ખાસ કરીને સિનિયર સિટીઝન હતા. મંદિરની આસપાસ તેમજ લોકો દર્શન માટે જતા હોય તેવા સ્થળોએ આરોપીઓ નજર રાખતા હતા. સવારે અથવા સાંજના સમયે મંદિરે આવતા સિનિયર સિટીઝન સાથે ધાર્મિક વાતચીત શરૂ કરી તેમને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં કુલ ત્રણ આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાં પવનનાથ ચૌહાણ અને રમેશનાથ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પ્રેમનાથ પરમાર ઉર્ફે મદારીની ધરપકડ બાકી છે અને તેની શોધખોળ ચાલી રહી છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પવનનાથ ચૌહાણ વિરુદ્ધ વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારની ગુનાની ફરિયાદ નોંધાયેલી છે. આ ઉપરાંત વેજલપુર વિસ્તારમાં પણ તેની સામે અગાઉ ગુનો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે રમેશનાથ ચૌહાણ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી જોડાયેલો ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
વટવા પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરીને તેઓએ અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં આ જ રીતે કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને ગેંગમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ કરી રહી છે.
પોલીસે ખાસ કરીને સિનિયર સિટીઝનને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી આવી ધાર્મિક વાતચીત દરમિયાન સાવચેત રહેવાની અપીલ કરી છે. માત્ર માતાજીના આશીર્વાદ, દૈવી શક્તિ અથવા ધાર્મિક વિધિના નામે કોઈ વ્યક્તિને સોનું, રોકડ કે અન્ય કિંમતી વસ્તુ સોંપવી નહીં અને શંકાસ્પદ ઘટના જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જરૂરી છે.

