(જી.એન.એસ) તા. ૬
ગાંધીનગર,
તારીખ 11 ઓક્ટોબરના રોજ યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા પ્રચારની સાથેજ વધુમાં વધુ લોક સમ્પર્ક સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા એક મીટીંગ યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગાંધીનગર મનપા. ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મીટીંગ મંગળવારે યોજાઈ હતી, જેમાં ચૂંટણી પ્રભારી તરીકે મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર મનપા.ની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતદાન થવાનું છે.
આ મહત્વની બેઠક દરમિયાન મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારની કામગીરી, કાર્યકરો વચ્ચે સંકલન, જનસંપર્ક અને મતદારો સુધી પક્ષનો સંદેશ પહોંચાડવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ યોજાયેલી ભાજપની સંકલન બેઠકમાં પણ બુથ સ્તરની કામગીરી અને નાગરિકો સાથે સીધો સંપર્ક વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રભારી ઋષિકેશભાઈ પટેલ પણ આ ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
આ મીટીંગ પછી નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કાર્યકરો અને નાગરિકો ટીમ તરીકે સાથે મળીને કામ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ જ રીતે કામગીરી ચાલુ રહેશે. હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે વિવિધ સમાજ તરફથી ભાજપના ઉમેદવારોને સહકાર મળી રહ્યો છે અને વિકાસના મુદ્દે પણ ઉમેદવારોને લોકોનો સાથ મળશે તેવી પક્ષને આશા છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન થશે, જ્યારે પરિણામ 13 ઓક્ટોબરે જાહેર થશે. કુલ 413 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ચૂંટણી નજીક આવતાં ભાજપ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોએ પણ પ્રચાર અને સંગઠનાત્મક કામગીરી તેજ કરી છે.

