ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ પાસે ઉભેલા ટ્રક ટ્રેલરની પાછળ બોલેરો કાર અથડાતા ૭ લોકોના મોત
(જી.એન.એસ) તા. ૬
ભાવનગર,
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માતમાં ૭ લોકોના કરુણ મોત નિપજ્યા છે. એક ફોરવ્હીલ કાર રસ્તા પર સાઇડમાં ઉભેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી જતા ૭ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં સવાર લોકો અલંગ સ્થિત શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જઈ રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઈવે પર તેમની કાર આગળ જઈ રહેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માતના પગલે હાઈવે પર પણ થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ગંભીર માર્ગ અકસ્માત અંગે અલંગ પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે GJ 04 EP 2599 બોલેરો કારમાં સાત લોકો અલંગમાં આવેલા પ્લોટ નંબર 38માં કામ માટે આવી રહ્યા હતા. આ દરમિયાન શિવ શક્તિ હોટલ પાસે ઊભેલા RJ 31 GA 2599 નંબરના ટ્રક ટેલર પાછળ બોલેરો કાર ઘુસી જતા બનાવ બનવા પામ્યો છે. જો કે આ બનાવમાં કુલ છ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર ઘટના કઈ રીતે બની તેને લઈને પોલીસે તપાસ આદરી છે.
વધુમાં અકસ્માત અંગે જણાવતા અલંગ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનનાર બોલેરો કારમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતા જેમાં વિજયભાઈ ચંદુભાઈ વોરા, પિયુષભાઈ બીપીનચંદ્ર શાહ, પ્રિતેશભાઈ બીપીનચંદ્ર ભાયાણી, ભાર્ગવભાઈ ગોસાઈ, હિરેનભાઈ મહેતા અને યોગેશભાઈ શાહ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે સારવાર દરમિયાન જયેશભાઇ હિંમતભાઇ વાસાણી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે તમામ મૃતકો અને ઇજાગ્રસ્ત ભાવનગરના રહેવાસી છે.
તેમજ આ અકસ્માત અંગે વધુ માહિતી આપતા ભાવનગરના ડીવાયએસપી આર.આર. સીંઘાલે જણાવ્યું હતું કે, અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ત્રાપજના પાટીયાથી 200 મીટર પહેલા એક ઘટના બની છે. હેવી ટ્રક રોડ ઉપર RJ 31 GA 9871નો સર્વિસ રોડ ઉપર પાર્ક હતો. ભાવનગરથી અલંગ જતા બોલેરોમાં કર્મચારી કામ હતા જે રોજેરોજ જતા હતા. આજ સવારે સાત લોકો કારમાં સવાર હતા ત્યારે ટ્રક ઉભો હતો તેમાં બોલેરોએ ટક્કર મારતા 6ના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે જ્યારે એકનું ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાનમાં મોત નીપજ્યું છે.
ડીવાયએસપી આર.આર.સીંઘાલે આ ગંભીર અકસ્માત મામલે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ટ્રકની ડિટેલ લેવામાં આવી રહી છે. આ ટ્રકનો ડ્રાઇવર પવન રાઠોડને બોલાવી વીમો હતો કે કેમ તે તપાસ કરી રહી છે. FSL અધિકારીનું માનવું છે કે બોલેરો કાર ચાલકને હાર્ટ એટેક આવતા કાબુ ગુમાવતા બનાવ બન્યો હોવાનું પ્રાથમિક કારણ છે. મૃતકોમાં વિજયભાઈ વોરા, હિતેશભાઈ મહેતા, પિયુષભાઈ શાહ, પ્રિતેશભાઈ ભાયાણી, ભાર્ગવભાઈ ગોસાઈ, યોગીન અજમેરા અને જયેશભાઈ ભાવનગરના રહેવાસી છે તેઓ 138 અલંગના પ્લોટ નંબરના કર્મચારી હોય અને રોજ અપડાઉન કરતા હતા.

