સ્વાતંત્ર્ય સંગ્રામના અમર નાયકોની ગાથા નવી પેઢી સુધી પહોંચાડતી દિપક હાઈસ્કૂલની અનોખી પહેલને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી
અમરેલીની ધરતીના ૭૫ સ્વાતંત્ર્ય સેનાનીઓની ગાથા વર્ણવતી સચિત્ર પ્રદર્શનીનો મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રારંભ
(જી.એન.એસ) તા. ૧૪
અમરેલી,
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલીના સમર્થ વ્યાયામ મંદિરના પ્રાંગણમાં અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્ય અને સંઘર્ષને ઉજાગર કરતી સચિત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનીનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિહાળી કરી સ્વાતંત્ર્ય સેનાનીઓની શૌર્યગાથાને શ્રદ્ધાપૂર્વક યાદ કરી હતી.
દિપક હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ પ્રદર્શનીમાં અમરેલી જિલ્લાના ઇતિહાસમાં અંકિત થયેલા આશરે ૭૫ સ્વાતંત્ર્ય સેનાનીઓની જીવનકથા, યોગદાન અને રાષ્ટ્રસેવાની ગાથાને સચિત્ર રજૂ કરવામાં આવી છે. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીશ્રી ડૉ. જીવરાજ મહેતાથી લઈને ઉમંગરાય છાટબાર સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને સંઘર્ષની ઝલક પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે.

આઝાદીની ચળવળથી લઈ આરઝી હકૂમત સુધી અને પોર્ટુગીઝ શાસન સામેની લડત સુધી, અમરેલીની ધરતીના વીર સપૂતોએ દેશની આઝાદી માટે આપેલા યોગદાનને પ્રદર્શનીમાં વિવિધ તસવીરો અને માહિતીના માધ્યમથી રજૂ કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ, બલિદાન, સંઘર્ષ અને રાષ્ટ્રભક્તિની આ ગાથા નવી પેઢીને પ્રેરણા આપનારી બની રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રદર્શનીનું નિરીક્ષણ કરી તેના આયોજન બદલ દિપક હાઈસ્કૂલના સંચાલકો, ટ્રસ્ટીઓ તથા આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરતી આવી પહેલને બિરદાવી હતી.
કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીએ દીપ પ્રાગટ્ય કરાવી પ્રદર્શનીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લાના પ્રભારી તથા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

