ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સુશાસનને વધુ વેગ આપવા GPCB દ્વારા બોટાદ તેમજ બામણબોર વિસ્તારના પ્રાદેશિક પુનર્ગઠનનો મહત્વપૂર્ણ પ્રજાભિમુખ નિર્ણય
બામણબોર GIDC અને આસપાસના વિસ્તારોનું રાજકોટ પ્રાદેશિક કચેરીમાં તબદીલી
(જી.એન.એસ) તા. ૬
બોટાદ,
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ
પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં આ નવા સુધારા અંતર્ગત ભૌગોલિક અનુકૂળતાને ધ્યાને રાખીને બોટાદ જિલ્લા અને બામણબોર ઔદ્યોગિક વિસ્તારની GPCB પ્રાદેશિક કચેરીઓમાં મોટો સાનુકૂળ ફેરફાર કરવામાં આવ્યો છે.
બામણબોર GIDC અને આસપાસના વિસ્તારોનું રાજકોટ પ્રાદેશિક કચેરીમાં તબદીલી
વહીવટી અને મહેસૂલી સીમાઓ વચ્ચે સુસંગતતા લાવવા માટે બામણબોર જી.આઈ.ડી.સી. તથા તેની આસપાસના વિસ્તારોને સુરેન્દ્રનગર કચેરીમાંથી મુક્ત કરી રાજકોટ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવ્યા છે.
અંતર અને સમયમાં મોટો બચાવ:-
સુરેન્દ્રનગર કચેરીનું અંતર ૮૪ કિમી હતું, જે હવે રાજકોટ કચેરી હેઠળ આવવાથી ઘટીને માત્ર ૨૯ કિમી એટલે કે ૫૫ કિમીનો ઘટાડો થઈ જશે. આનાથી અધિકારીઓની સ્થળ મુલાકાત અને નિયમિત તપાસ પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
એકસમાન ઔદ્યોગિક પટ્ટા આધારિત દેખરેખ:-
બામણબોર-રાજકોટ સળંગ ક્લસ્ટર હોવાથી એક જ કચેરી હેઠળ એકસમાન પર્યાવરણીય નિયમન શક્ય બનશે.
કટોકટી અને આપત્તિમાં ત્વરિત પ્રતિસાદ:-
કોઈપણ ઔદ્યોગિક દુર્ઘટના કે રાસાયણિક કટોકટીના સમયે રાજકોટની ટીમ મિનિટોમાં સ્થળ પર પહોંચી કામગીરી કરી શકશે.
રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (હિરાસર) ખાતે પર્યાવરણીય વ્યવસ્થાપન:-
હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક હોવાથી અતિ મહત્વના મહાનુભાવો (VIPs) ની અવરજવર સમયે ક્ષેત્રીય હવા-ગુણવત્તા અને પર્યાવરણીય દેખરેખ વધુ અસરકારક બનશે.
વધુમાં રાજકોટ પ્રાદેશિક કચેરી એ બોર્ડની ખૂબ જ જૂની અને સ્થાપિત કચેરી છે, જે ઘણા વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે. આ કચેરી ખાતે પુરતો અને અનુભવી સ્ટાફ, વિશાળ મેનપાવર તથા ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોવાથી બામણબોર જીઆઈડીસી ખાતેના ઔદ્યોગિક એકમો પર વધુ સક્ષમ અને અસરકારક રીતે નિયમન (Regulation) કરી શકાશે. રાજકોટ ખાતે બોર્ડની પોતાની સુસજ્જ પ્રયોગશાળા ઉપલબ્ધ હોવાથી, ઉદ્યોગોના સેમ્પલનું પૃથક્કરણ (Analysis) અત્યંત સરળતાથી અને ત્વરિત થઈ શકશે, જેના પરિણામે જરૂરી નિર્ણયો લેવામાં નોંધપાત્ર ઝડપ આવશે.
જ્યારે બોટાદ જિલ્લાની કામગીરી સુરેન્દ્રનગર પ્રાદેશિક કચેરી હેઠળ સમાવિષ્ટ અમદાવાદ (ગ્રામ્ય) કચેરી હેઠળ સાણંદ GIDC અને ધોલેરા SIRના ઝડપી વિકાસના કારણે વધતા વહીવટી કાર્યભારને હળવો કરવા અને બોટાદના ઉદ્યોગોને નજીકની સેવાઓ પૂરી પાડવા માટે આ નિર્ણય લેવાયો છે.
ભૌગોલિક અંતરમાં અડધોઅડધ ઘટાડો:-
અમદાવાદથી બોટાદનું અંતર આશરે ૧૩૦ કિમી હતું. બોટાદ જિલ્લાના તમામ ૧૬૯ ઔદ્યોગિક અને ૩૬ હેલ્થકેર એકમોને હવે માત્ર ૭૦ કિમીના અંતરે આવેલી સુરેન્દ્રનગર પ્રાદેશિક કચેરી સાથે જોડવામાં આવ્યા છે.
સ્થાનિક ઉદ્યોગો અને નાગરિકોને સુવિધા:-
અંતર ઘટવાથી સ્થાનિક ઉદ્યોગકારો, હેલ્થકેર સેન્ટરો અને સામાન્ય નાગરિકો માટે અરજીઓ, પરવાનગીઓ (CTE/CCA) અને વહીવટી કામગીરી અત્યંત સરળ બનશે.
ઝડપી ફરિયાદ નિવારણ:-
સ્થાનિક પર્યાવરણીય ફરિયાદો અને સ્થળ-તપાસની કામગીરી સમયસર અને ઝડપથી પૂર્ણ થઈ શકશે.
પ્રાદેશિક ફેરફારોનું એક નજરે વિહંગાવલોકન:-
સંબંધિત વિસ્તાર પૂર્વ પ્રાદેશિક કચેરી નવી/સૂચિત પ્રાદેશિક કચેરીઅંતરમાં થયેલો સાનુકૂળ ઘટાડો થશે.
બામણબોર GIDC અને આસપાસનો પટ્ટો પ્રાદેશિક કચેરી, સુરેન્દ્રનગર પ્રાદેશિક કચેરી, રાજકોટ ૮૪ કિમી થી ઘટીને ૨૯ કિમી એટલે કે ૫૫ કિમી નો ઘટાડો થશે.
બોટાદ જિલ્લો (તમામ તાલુકાઓ) પ્રાદેશિક કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) પ્રાદેશિક કચેરી, સુરેન્દ્રનગર ૧૩૦ કિમીથી ઘટીને ૭૦ કિમી એટલે કે ૬૦ કિમી નો ઘટાડો) અમલીકરણ અને સુવિધા:
આ નિર્ણયના અમલીકરણ માટે સંબંધિત ઉદ્યોગ-એકમોના ડેટા, ફાઇલો અને XGN પોર્ટલ પર ક્ષેત્રાધિકાર મેપિંગ સરળતાથી તબદીલ કરવામાં આવશે. ગુજરાત સરકાર અને GPCBના આવા થકી નિર્ણય પર્યાવરણ સુરક્ષા, વહીવટી પારદર્શિતા અને “ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ” (Ease of Doing Business) પ્રત્યે ગુજરાત સરકાર અને GPCB પ્રતિબદ્ધ છે.

