(જી.એન.એસ) તા. ૨૩
બીજિંગ,
ચીનની ૧૩ વર્ષીય યુ ઝિડીએ એશિયન ગેમ્સ ૨૦૨૬માં ત્રણ સુવર્ણ ચંદ્રકો જીતીને વધુ એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને સ્વિમિંગની દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં રહેલી યુવા પ્રતિભાઓમાંની એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. બુધવારે, ૨૩ સપ્ટેમ્બરે, તેણે મહિલાઓની ૪૦૦ મીટર વ્યક્તિગત મેડલી સ્પર્ધા ૪ મિનિટ ૨૮.૫૬ સેકન્ડમાં પૂરી કરી અને પોતાની જ દેશની ખેલાડી કે વેનક્સી કરતાં ૩.૯૫ સેકન્ડ આગળ રહીને વિજય મેળવ્યો. જાપાનની મિયો નારિતા ત્રીજા સ્થાને રહી અને બ્રોન્ઝ મેડલ જીત્યો.
ઉલ્લેખનીય છે કે, યુએ શરૂઆતથી જ સ્પર્ધા પર વર્ચસ્વ જમાવ્યું હતું અને સમગ્ર રેસ દરમિયાન પોતાની સરસાઈ જાળવી રાખી હતી. તેનો વિજેતા સમય ચીનની યે શિવેને ૨૦૧૪માં સ્થાપિત કરેલા અગાઉના એશિયન ગેમ્સના રેકોર્ડ કરતાં લગભગ ૪.૫ સેકન્ડ ઓછો હતો. આ પરિણામને કારણે યુ આ વર્ષે વિશ્વમાં નોંધાયેલા સૌથી ઝડપી સમયની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. વિશ્વ રેકોર્ડ ધારક કેનેડાની સમર મેકિન્ટોશ આ યાદીમાં ટોચના ત્રણ સ્થાનો પર છે.
આ ગેમ્સમાં મળેલી જીતને કારણે યુએ ચાલુ ખંડીય ટુર્નામેન્ટમાં ભાગ લીધેલી ત્રણેય વ્યક્તિગત સ્પર્ધાઓમાં વિજય મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેણે અગાઉ ૨૦૦ મીટર બટરફ્લાય અને ૨૦૦ મીટર વ્યક્તિગત મેડલી સ્પર્ધાઓ જીતી હતી અને બંને રેસમાં ગેમ્સના રેકોર્ડ સ્થાપિત કર્યા હતા.
યુનું લક્ષ્ય LA ઓલિમ્પિક્સ
યુના પ્રદર્શને ૨૦૨૮ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સ પહેલાં આ કિશોરી પાસેથી અપેક્ષાઓમાં વધારો કર્યો છે. ગયા વર્ષે ૧૨ વર્ષની ઉંમરે ચીનની રિલે ટીમનો ભાગ બનીને બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તે વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી નાની વયની મેડલ વિજેતા બની હતી. તે ચેમ્પિયનશિપમાં તેણે ત્રણ વ્યક્તિગત સ્પર્ધાઓમાં ચોથું સ્થાન પણ મેળવ્યું હતું.
આ વર્ષે પણ તેની પ્રગતિ ચાલુ રહી છે, જેમાં માર્ચ મહિનામાં અમેરિકન ઓલિમ્પિક ચેમ્પિયન રેગન સ્મિથ સામે મેળવેલી જીતનો પણ સમાવેશ થાય છે.
દરમિયાન, ચીનમાં યુની વધતી જતી લોકપ્રિયતા સ્વિમિંગ પૂલની બહાર પણ ફેલાઈ છે. વોટર પાર્કમાં એક સ્વિમિંગ કોચની નજરમાં આવવાની તેની વાર્તા અને મીડિયા ઇન્ટરવ્યુ આપવામાં તેને પડતી મુશ્કેલીએ વ્યાપક ધ્યાન ખેંચ્યું છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું પ્રશ્નોના જવાબ આપવા એ તેના અનુભવનો સૌથી મુશ્કેલ ભાગ છે, ત્યારે યુએ જવાબ આપ્યો: “દરેક વખતે મને બસ ક્યાંક બીજે તરતા (ખોવાઈ) જવાનું મન થાય છે.”
ભારતની મીરાબાઈને હરાવી ઉત્તર કોરિયાએ ૪૯ કિગ્રા વેઇટલિફ્ટિંગ સ્પર્ધા જીતી
ગેમ્સમાં અન્ય એક ઘટનાક્રમમાં, ઉત્તર કોરિયાની રી સોંગ ગમે મહિલાઓની ૪૯ કિગ્રા વેઇટલિફ્ટિંગ શ્રેણીમાં રેકોર્ડ-બ્રેકિંગ પ્રદર્શન કર્યું હતું. ૨૮ વર્ષીય ડિફેન્ડિંગ ચેમ્પિયને ‘સ્નેચ’માં ૯૪ કિગ્રા અને ‘ક્લીન એન્ડ જર્ક’માં ૧૨૧ કિગ્રા વજન ઊંચકીને બંને પ્રકારની સ્પર્ધાઓમાં અગાઉના વિશ્વ વિક્રમોને ૧ કિગ્રાથી પાછળ છોડી દીધા. તેમનો કુલ ૨૧૫ કિગ્રાનો ભાર પણ અગાઉના એકંદર વિશ્વ વિક્રમ કરતાં ૪ કિગ્રા વધુ હતો. તેમણે સુવર્ણ ચંદ્રક માટે ભારતની મીરાબાઈ ચાનુને હરાવ્યા.

