મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં GSFCના સાત નવા ઈનોવેટીવ ઉત્પાદનોનું લોંચીંગ કર્યુ
GSFCના નવા જંતુનાશક ઉત્પાદનો ખેડૂતોના પાકના રક્ષણ અને તેમની મહેનતને સાર્થક કરવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે
(જી.એન.એસ) તા. ૨૩
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સાહસ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ લિમિટેડના ઈનોવેટીવ ઉત્પાદનોનું ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કર્યુ હતું. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરિયા તેમજ કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશ કટારા આ અવસરે ઉપસ્થિતિ રહ્યાં હતા.
પાક સંરક્ષણના આ સાત શક્તિશાળી નિવારણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકસિત કૃષિથી વિકસિત ગુજરાતનું પ્રતિબિંબ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ટેક્નોલોજી આધારિત, કાર્યક્ષમ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચરની દિશામાં GSFCની ભૂમિકાની સરાહના કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનની સેવા સાધનાના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાનથી થઈ રહી છે ત્યારે GSFCની આ પહેલોના લોંચીંગને મુખ્યમંત્રીશ્રીએ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રને વધુ સમૃદ્ધ બનાવનારી ગણાવી હતી.
તેમણે કહ્યુ કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગરીબ, અન્નદાતા, યુવા અને નારીશક્તિને મુખ્ય પિલ્લર કહ્યાં છે.
આ ચાર પિલ્લરમાં મહત્વપૂર્ણ એવા અન્નદાતા ખેડૂતના ઉત્પાદનોને ક્વોલિટી, વેલ્યુ એડીશન, પ્રોસેસિંગ અને વર્લ્ડ માર્કેટે સુધીની પહોંચ આપવા GSFCની આ સાત પહેલો ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ GSFCની ‘સરદાર’ બ્રાન્ડ નેમથી પ્રખ્યાત થયેલી પ્રોડક્ટ્સની શ્રૃંખલામાં આ નવી સાત પહેલો પાકને જરૂરી સંરક્ષણ પુરું પાડવામાં ખેડૂતોને શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડશે એમ પણ ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું કે, ગુણવત્તા સભર પાક સંરક્ષણ ઉકેલો ખેડૂતો સુધી સમયસર, સરળતાથી અને વિશ્વસનીય રીતે પહોંચે તે માટે GSFC કૃષિ ઉત્પાદનોની વ્યાપક શ્રેણીમાં સંતુલિત પોષણ, બાયો ફર્ટીલાઈઝર અને અન્ય કૃષિ ઈનપુટ્સ પર કામ કરે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઈનોવેશનથી સમૃદ્ધિ, ટેક્નોલોજીથી ઉત્પાદક્તા અને પાક સંરક્ષણથી ખેડૂતોની આવક વૃદ્ધિના સંકલિત અભિગમથી સમૃદ્ધ ખેતીથી રાષ્ટ્રના વિકાસની યાત્રા સતત આગળ વધારવાની નેમ વ્યક્ત કરી હતી.
GSFCના વૈજ્ઞાનિકો તથા સંશોધકોની ટિમને આ નવી પહેલોના લોંચીંગ માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૬૨થી શરૂ થયેલી GSFCની વિકાસયાત્રામાં આ નવા ઉત્પાદનો ખેડૂતોના પાક રક્ષણ અને તેમની મહેનતને સાર્થક કરવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. ખેડૂતોના પાકને જીવાતો અને નિંદણ સામે સુરક્ષિત રાખવા માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન બાદ આ બ્રાન્ડ્સ બજારમાં મૂકવામાં આવી છે. જેમાં સરદાર આધાર, સરદાર જીગોર્ડ, સરદાર તોફાની જેવી ૭ દવાઓનો સમાવેશ થાય છે.
કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ તમામ દવાઓ ખેડૂતોને વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય અને પાક તેમજ જમીનની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી છે. સંશોધન અને ટેકનોલોજી ક્ષેત્રે જીએસએફસી હંમેશાં મોખરે રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતોને સમયાંતરે શ્રેષ્ઠ ટેકનોલોજી અને ઉત્પાદનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ કીટનાશકો માત્ર થોડા દિવસો સુધી જ જીવાતો સામે રક્ષણ આપે છે અને ત્યારબાદ જમીનને નુકસાન ન પહોંચે તે પ્રમાણે જમીનમાં ભળી જાય છે તેવી આધુનિક પદ્ધતિ વિકસાવવામાં આવી છે. જરૂર હોય ત્યાં જ પ્રમાણસર રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવા કૃષિમંત્રીશ્રીએ ખેડૂત મિત્રોને અનુરોધ કર્યો હતો.
શું છે સાત પહેલો?
રાજ્યમાં કૃષિ ઉત્પાદકતા વધારવા અને પાક સંરક્ષણને વધુ સુદ્રઢ કરવાના ઉદ્દેશથી GSFC દ્વારા “સરદાર” બ્રાન્ડ હેઠળ ૭ નવી જંતુનાશક અને નિંદણનાશક દવાઓ લોન્ચ કરવામાં આવી છે. જેમાં સરદાર સાથી, સરદાર રફતાર, સરદાર તુફાની ફિપ્રો, સરદાર જાનદાર, સરદાર આધાર, સરદાર જી-ગોલ્ડ અને સરદાર સેનાપતિનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્પાદનો કિસાન સુવિધા કેન્દ્રો અને GSFCના અધિકૃત વિતરણ નેટવર્ક દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધનો પર આધારિત તથા ખેડૂતોને પાક અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડતી એક વિશેષ કૃષિ મેગેઝિન ‘કૃષિજીવન’નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્ય સચિવ અને GSFCના ચેરમેન શ્રી એમ. કે. દાસ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર અને ડિરેક્ટર શ્રી અશ્વિની કુમાર સહિત સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ આ ઉપસ્થિત રહ્યા હતા.

