આવનારી 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ, ગીર સોમનાથના 10 બંદરો પર આશરે 7500 બોટો દરિયો ખેડશે
(જી.એન.એસ) તા. ૧૨
ગીર સોમનાથ,
આવનારી 16 ઓગસ્ટથી ગુજરાતમાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થશે. નવી સિઝનને લઈને ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના 10 ફિશ લેન્ડિંગ સેન્ટર એટલે કે બંદરો પરથી અંદાજે 7500 જેટલી નાની-મોટી ફિશિંગ બોટો દરિયામાં માછીમારી માટે રવાના થવાની છે. જોકે દરિયો ખેડતા પહેલાં મત્સ્યોદ્યોગ વિભાગ પાસેથી ટોકન મેળવવું ફરજિયાત છે. 16 ઓગસ્ટથી માછીમારી શરૂ થવાની હોવાથી 15 ઓગસ્ટની મધરાતથી ઓનલાઈન ટોકન સિસ્ટમનું પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે. માછીમારો મોબાઈલ ફોન દ્વારા ઘરે બેઠા ટોકન મેળવી શકશે.
આ બાબતે વેરાવળના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક તુષાર કોટિયાના જણાવ્યા અનુસાર, ગુજરાતનો આશરે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતો માછીમાર સમુદાય માછીમારીના વ્યવસાય પર મોટી હદે નિર્ભર છે. રાજ્યમાં 104 નોટિફાઇડ ફિશ લેન્ડિંગ સેન્ટર છે અને 25 હજારથી વધુ ફિશિંગ બોટ નોંધાયેલી છે. ગીર સોમનાથના બંદરોમાં વેરાવળ સૌથી મોટું ફિશિંગ હબ છે. વેરાવળમાં આશરે 3900 ટ્રોલર અને 3600 જેટલી OBM ફિશિંગ બોટ નોંધાયેલી છે. ટોકનમાં બોટ, ટંડેલ-ખલાસીઓ તથા કેટલા દિવસ માટે બોટ દરિયામાં રહેશે જેવી વિગતો નોંધવામાં આવે છે.
તે વાત મહત્વની છે કે, વર્ષ 2022 પહેલાં મેન્યુઅલ ટોકન સિસ્ટમના કારણે માછીમારો તેમજ કચેરીના કર્મચારીઓને મુશ્કેલી પડતી હતી. રાજ્ય સરકારે 2022માં ઓનલાઈન ટોકન સિસ્ટમ શરૂ કરતાં હવે પ્રક્રિયા વધુ સરળ બની છે.
મોટી ટ્રોલર બોટની કિંમત અંદાજે રૂ.40થી 50 લાખ સુધીની હોય છે અને તે સામાન્ય રીતે 12થી 17 દિવસ દરિયામાં રહે છે. એક ટ્રીપ પાછળ ડીઝલ, બરફ, પાણી અને રાશન સહિત રૂ.3થી 4 લાખ સુધીનો ખર્ચ થાય છે. જ્યારે નાની OBM બોટો સામાન્ય રીતે એકથી બે દિવસની સફર કરે છે. માછીમારોની આવક દરિયાની સ્થિતિ, માછલીના જથ્થા અને બજારભાવ પર નિર્ભર રહે છે. નવી સિઝન શરૂ થતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરીથી માછીમારીની ગતિવિધિઓ તેજ બનશે.

