(જી.એન.એસ) તા. ૬
અમરેલી,
છેલ્લા ઘણા દિવસોમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સાવજોના આંટાફેરાના કિસ્સા જોવા મળ્યા છે. જેમાં હવે અમરેલીના ધારી નજીક આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર ડેમ પાસે એક સાથે 9 સિંહોની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ખોડિયાર ડેમ ખાતે સાવજોનો ‘રોયલ’ અંદાજનો વીડિયો જોઈને પ્રકૃત્તિ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા વય્ર્ક થયેલ વિડીયોમાં ધારીના ખોડિયાર ડેમ પરિસરમાં અચાનક 9 જેટલાં સિંહો આવી પહોંચ્યા હતા. ડેમની નહેરો અને ખાડી કિનારે ‘રોયલ’ અંદાજમાં એકસાથે ચાલી રહેલા સિંહોના આ સમૂહને જોઈને ત્યાંથી પસાર થતાં સ્થાનિકો અને પ્રકૃતિપ્રેમીઓ અચંબીત થઈ ગયા હતા. ચોમાસાના સુંદર વાતાવરણ વચ્ચે ડેમના રમણીય સ્થળ પર સાવજોની આ લટારનો સમગ્ર નજારો કેમેરામાં કેદ થયો હતો.
એકસાથે 9 સિંહોનો આવો અદભુત અને દુર્લભ નજારો કેમેરામાં કેદ થતાં જ આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાઈરલ થયો છે. લોકો સાવજોની આ શાહી ચાલ અને રોયલ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સિંહોનું રેવન્યુ વિસ્તાર અને માનવ વસવાટ તરફનું ભ્રમણ હવે સામાન્ય બન્યું છે, પરંતુ આ પ્રકારે આખા પરિવાર સાથેનો શાંતિપૂર્ણ અને રમણીય માહોલ વાઈલ્ડલાઈફ પ્રેમીઓ માટે મોટી ભેટ સમાન સાબિત થયો છે.

