(જી.એન.એસ) તા. ૨૭
નવી દિલ્હી/ગાંધીનગર,
નર્મદા કંટ્રોલ ઓથોરિટીની રિવ્યુ કમિટિ-RCNCAની 15મી બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.
નર્મદા યોજનાના સહભાગી રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીઓ આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જોડાયા હતા.
અગાઉની જુલાઈ-26માં યોજાયેલી બેઠકમાં થયેલા મેમોરેન્ડમ ઓફ એગ્રીમન્ટને સહભાગી રાજ્યોએ આ બેઠકમાં અનુમોદન આપ્યુ હતું. આ સાથે, નર્મદા સંબંધિત લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પરસ્પર સમજણ, સહમતી અને સંકલનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યો વચ્ચેના સંકલન તથા સહયોગથી લાંબા સમયથી પડતર પ્રશ્નોનું પણ સહમતીપૂર્વક નિરાકરણ લાવી શકાય છે, તે આ બેઠકની પ્રગતિએ દર્શાવ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રીશ્રી અમિત શાહના માર્ગદર્શનમાં સહકારી સંઘવાદની ભાવનાને વધુ બળ મળ્યું છે ત્યારે નર્મદા સંબંધિત બાકી રહેલા અન્ય મુદ્દાઓનું નિરાકરણ પણ ભવિષ્યમાં સંવાદ, પરસ્પર સમજણ અને સહકાર દ્વારા લાવવા માટે સકારાત્મક અભિગમ આ બેઠકમાં અપનાવવામાં આવ્યો છે.
નર્મદા માત્ર જળસંપત્તિ જ નહીં, પરંતુ ગુજરાત સહિત ચારેય સંબંધિત રાજ્યોના ખેડૂતોની સમૃદ્ધિ, જનકલ્યાણ અને પ્રાદેશિક વિકાસની જીવનરેખા છે. નર્મદાના જળનો મહત્તમ ઉપયોગ જનહિતમાં થાય, રાજ્યો વચ્ચે સહયોગ વધે અને દેશના સર્વાંગી વિકાસને વેગ મળે તે દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થશે.
આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી ડૉ. વિક્રાંત પાંડે તથા વરિષ્ઠ અધિકારીઓ મુખ્યમંત્રીશ્રીની સાથે આ બેઠકમાં સહભાગી થયા હતા.

