AMCના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વેલ્ડિંગ દરમિયાન ચાર કામદારો અંદર ખાબક્યા, બેનાં મોત
(જી.એન.એસ) તા. ૨૬
અમદાવાદ,
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. AMCના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન પ્લાન્ટમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. HNB એજન્સીના ચાર કર્મચારીઓ પ્લાન્ટમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા, તે દરમિયાન ગેસ બનવાના કારણે તેઓ બેભાન થઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ ઘટનામાં બે કામદારોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે કામદારોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે કે, HNB એજન્સીના કર્મચારીઓ સોલા STP પ્લાન્ટમાં વેલ્ડિંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અંદર ગેસ બનતાં કામદારો બેભાન થઈ ગયા હતા અને પ્લાન્ટની અંદર પડી ગયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ અસરગ્રસ્ત કામદારોને બહાર કાઢવા અને અન્ય કામદારોની શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનામાં HNB એજન્સી સાથે સંકળાયેલા ચાર કર્મચારીઓનાં નામ સામે આવ્યાં છે. જેમાં મનોજ (સાઇટ ઇન્ચાર્જ), અભિષેક (વેલ્ડિંગ વર્કર), રૂપેશ (સાઇટના PM) અને નિલેશ (ગાડી ડ્રાઇવર)નો સમાવેશ થાય છે.
આ ગંભીર ઘટના મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બે વ્યક્તિઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બેના મોત થયા છે. જોકે, હોસ્પિટલમાં ખસેડાયેલા બંનેની સ્થિતિ અંગેની વધુ વિગતોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
ગેસ કેવી રીતે બન્યો અને દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. ઘટનાની સંપૂર્ણ તપાસ બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે.
શ્રમિકોને નિયત સેફ્ટી ગિયર્સ (સુરક્ષા સાધનો) આપવામાં આવ્યા હતા કે કેમ અને જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે કે નહીં તે અંગે પોલીસે કાયદેસરની તપાસ તેજ કરી છે.

