(જી.એન.એસ) તા. ૭
સુરત,
સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસે નકલી સાબુના ગોડાઉન પર રેડ કરી હતી. લસકાણા પોલીસની ટીમે ગઢપુરના સહજાનંદ હબમાં આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડો પાડ્યો ત્યારે બનાવટી સાબુના 2,000 બોક્સ મળી આવ્યા હતા.
દરોડા દરમિયાન પોલીસની ટીમ દ્વારા આશરે ₹2.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ આ મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ગોડાઉનમાં મોટી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ સાબુનો જથ્થો તૈયાર કરવામાં આવતો હતો. આરોપીઓ આ બનાવટી સાબુને બજારમાં વેચીને આર્થિક ફાયદો મેળવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સહજાનંદ હબના એક ગોડાઉનમાં દરોડા દરમિયાન પોલીસે ચીરાગ રંગાણી અને દીપક રાદડિયાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલના આધારે વધુ તપાસ શરૂ કરી છે કે આ ગેરકાયદેસર ધંધામાં હજી કેટલા લોકો સંકળાયેલા છે.

