અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક કોસ્ટ ગાર્ડ. ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં 3000 કરોડ રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે 5 પાકિસ્તાની ઝડપાયા
(જી.એન.એસ) તા. ૩૦
અમદાવાદ,
ગુજરાત એટીએસે, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને ભારતીય કોસ્ટ ગાર્ડે એક મોટા સંયુક્ત ઓપરેશનને પાર પડ્યું છે જેમાં, લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાંથી એક ઈરાની બોટમાંથી 3000 કરોડ રૂપિયાના ડ્રગ્સના મોટા જથ્થા સાથે 5 પાકિસ્તાની નાગરીકો ઝડપાયા છે.
ઈરાની બોટ ‘આઝાદ’માંથી 526 કિલોથી વધુ મેથામ્ફેટામાઈન અને હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન 5 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ મોહમ્મદ યાકૂબ બલૂચી, શકીરુલ્લાહ, ફરીદુલ્લાહ, અહમદ ખાન અને વહીદુલ્લાહ ખાન તરીકે થઈ છે.
ગુજરાત એટીએસના ડીઆઈજી સુનીલ જોષીના જણાવ્યા અનુસાર એટીએસના ઇનપુટ મુજબ, ગુજરાતમાં નાઇજીરિયન અને વોન્ટેડ આરોપી વચ્ચે ડ્રગ્સ અંગે બેઠક થઈ હતી અને આ ડ્રગ્સની ડિલિવરી માટે હવાલા મારફતે એડવાન્સ રકમ મોકલાઈ હતી, જેના માટે ઈરાનથી ‘આઝાદ’ બોટ મારફતે ભારતમાં ડ્રગ્સ લાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
આ બોટમાંથી પાકિસ્તાનના પેશાવરના રહેવાસી મોહમ્મદ યાકુબ બલુચી, શકિરુલ્લાહ, ફરિદુલ્લાહ,અહમદ ખાન અને વાહિદુલ્લાહ ખાનની ધરપકડ કરવામાં આવી છે.પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ બોટ ઈરાનના કોનારકથી રવાના થઈ હતી અને પાકિસ્તાનના ગ્વાદર ખાતેથી અન્ય બોટ મારફતે આ ડ્રગ્સનો જથ્થો તેને આપવામાં આવ્યો હતો.
ડ્રગ્સનો જથ્થો તમિલનાડુની એક બોટને સોંપવાની યોજના હતી. ત્યારબાદ ડ્રગ્સ તમિલનાડુથી પંજાબ લઈ જઈ નાઇજીરિયનને સોંપવાનું હતું. આ અંગેના ઇનપુટ મળ્યા બાદ કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસની સંયુક્ત ટીમ બનાવાઈ હતી જેના પગલે એટીએસના પોલીસ ઇન્સ્પેકટર પી.એચ. કોરાટ અને વી.એન. વાઘેલાને કોચ્ચી મોકલાયા હતા અને 4 સપ્ટેમ્બરથી સમુદ્રમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.
આશરે 17-18 દિવસ સુધી દરિયામાં બોટની શોધખોળ ચાલી હતી દરમિયાન 25 સપ્ટેમ્બરની સાંજે લક્ષદ્વીપથી આશરે 160 નોટિકલ માઈલ ઉત્તર-પશ્ચિમમાં શંકાસ્પદ બોટ મળી આવી હતી, આ બોટ મુંબઈથી આશરે 490 નોટિકલ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં મળી આવી હતી, કોસ્ટ ગાર્ડે વિવિધ રણનીતિથી ‘આઝાદ’ બોટને અટકાવી તેમા તપાસ કરી હતી, દરમિયાન બોટમાં Starlink ઈન્ટરનેટ ડિવાઇસનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું અને બોટને આગળની કાર્યવાહી માટે મુંબઈ કોસ્ટ ગાર્ડ જેટી પર લાવવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં 5 ક્રૂ મેમ્બર્સ ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું, આરોપીઓ વિરુદ્ધ એટીએસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાની કાર્યવાહી શરૂ છે. એટીએસ મુજબ બોટ થોડા સમય પહેલા ઈરાનના કોનાર્ક બંદરેથી નીકળી હતી અને પાકિસ્તાનના ગ્વાદર નજીકથી નાની બોટ મારફતે ડ્રગ્સનો જથ્થો ‘આઝાદ’ સુધી પહોંચાડાયો હતો, ડ્રગ્સની ખેપ હાજી સલીમના નેટવર્ક સાથે જોડાયેલી હોવાની પુષ્ટી થઈ છે. ડ્રગ્સનો જથ્થો આગળ બીજી બોટને ડિલિવર કરવાનો હતો. હાલમાં તપાસમાં ડ્રગ્સના પ્રોડ્યુસર, સપ્લાયર, રૂટ અને અંતિમ ડિલિવરી સુધીની કડીઓ તપાસાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલ ડ્રગ્સ મેથામ્ફેટામાઈન અને હેરોઈન હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે એટીએસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓના ભારતમાં રોકાણ અંગે હાલ કોઈ પુરાવા મળ્યા નથી, ડ્રગ્સની ડિલિવરી બાદ આરોપીઓ પરત ફરવાના હતા, જ્યારે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ એજન્સીઓ સાથે સંકલન ચાલી રહ્યું છે. ગુજરાત એટીએસ મુજબ તપાસ આગળ વધતા ડ્રગ્સ નેટવર્કની વધુ કડીઓ સામે આવવાની શક્યતા છે, બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠા ઉપરાંત અન્ય દરિયાઈ રૂટ પર પણ મોનિટરિંગ વધારવામાં આવ્યું છે.

