જુનાગઢ, ગીર સોમનાથ સહીત આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા
(જી.એન.એસ) તા. ૩૦
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. બપોર બાદ આકાશમાં વાદળો જોવા મળ્યા હતા અને બાદમાં પવન સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના ધાવા, રમરેચી, ચિત્રોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમય પછી પડેલા આ વરસાદથી સુકાઈ રહેલા ચોમાસુ પાકોને નવજીવન મળતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદની લહેર ફરી વળી છે.

તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ગાજવીજ અને ચક્રવાતી પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બપોર પછીના સમયગાળામાં તરસીંગડા, અમરાપુર, વિરડી અને માતવાણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે પવનના લીધે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેનાથી થોડો સમય વાહનવ્યવહાર ખોરવાયો હતો.
અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને બગસરા પંથકમાં પણ બપોર બાદ મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી હતી. ધારી ગીરકાંઠાના સરસિયા, ગોવિંદપુર, વીરપુર, ગઢિયા, જીરા અને હીરાવા ગામોમાં ધોધમાર વરસાદ પડતાં ધારીના સરસિયા ગામની સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા હતા. આ ઉપરાંત ખાંભાના નાની ધારી તથા બગસરાના સમઢીયાળા, લુઘિયા, જાંજરીયા જેવા ગામોમાં અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતાં સમગ્ર પંથકમાં રમણીય વાતાવરણ જોવા મળ્યું હતું.

