(જી.એન.એસ) તા. ૬
અમદાવાદ,
ગ્રાહકોના આરોગ્યને પ્રાધાન્ય આપતા હવે ગુજરાત સરકારે પણ એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ મુક્યો છે. રેસ્ટોરન્ટ સંચાલકોને નિયમ પાલનની સૂચના કરવામાં આવી છે. હવે કોઈ પણ હોટલ રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીર કે ચીઝનો ઉપયોગ કરી શકાશે નહીં. સધર્ન ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન (SHARA) દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારા તમામ સભ્યો આ નિર્ણયનું પાલન કરશે. અગાઉ જ્યારે એનાલોગ પનીરને લઈને જે નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારથી જ એનાલોગ પનીર બંધ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આ બબાતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
શહેરના અંકુર ચાર રસ્તા પાસે આવેલી પનીર મેન્યુફેક્ચરિંગની દુકાન પર ચેકિંગ હાથ ધરવામાં આવી અને પનીરને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. અસલી પનીર અને એનાલોગ પનીર વચ્ચે શું તફાવત છે? કેવી રીતે ખબર પડે કે અસલી છે કે નકલી? અને કોર્પોરેશન દ્વારા કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે? જાણીએ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર રાજેશ પવારે જણાવ્યું હતું કે એનાલોગ પનીર પર પ્રતિબંધ લગાવ્યા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અલગ-અલગ ટીમો બનાવીને પનીરની ચેકિંગ હાથ ધરવામાં આવી છે. જે જગ્યાએ પનીર બને છે અને વેચાણ થાય છે એવી જગ્યાએ અમે ચેકિંગ કરી રહ્યા છીએ. ગુરુવારે અમદાવાદમાં ચાર ટીમ કામ કરી રહી છે. સવારથી બપોર સુધીમાં દસ યુનિટ ચેક કરી લીધા છે.
તેમજ પનીર અસલી છે કે નકલી છે તે અંગે કેવી રીતે ખબર પડે? આ અંગે જવાબ આપતા રાજેશભાઈએ જણાવ્યું હતું કે લેબોરેટરીના કેમિકલ પરીક્ષણથી સાચું રિઝલ્ટ આવી શકે છે. પ્રારંભિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો દૂધમાંથી બનેલું પનીર અને ઓઇલમાંથી બનેલું પનીર બજારમાં મળે છે. તેલમાંથી બનેલું પનીરને આપણે એનાલોગ પનીર કહીએ છીએ. એનાલોગ પનીરમાં ટેસ્ટમાં ફેર હોય છે. પરંતુ લેબોરેટરી ટેસ્ટ પછી અસલી અને નકલીનો ફરક સમજી શકાય છે. કારણ કે દેખાવમાં બંને સેમ હોય છે.
પાણીમાં પનીર નાખીને લોકો જોઈ છે કે અસલી છે કે નહીં તે અંગે તેમણે જણાવ્યું હતું કે આ પદ્ધતિ અત્યારે પ્રચલિત થયેલી છે. સોશિયલ મીડિયામાં પણ આના વિશે લોકો કહી રહ્યા છે. પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટમાં આવી રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
તેમણે જણાવ્યું હતું કે અંકુર ચાર રસ્તા પાસે પનીરના મેન્યુફેક્ચરર અને દુકાન પર અમે આવીને ચેકિંગ કરી છે. અને એ લોકો પોતે પનીર બનાવે છે અને દરરોજ 18 થી 20 કિલો પનીર બનાવીને વેચે છે. શંકાના આધારે અહીંયા થી અમે પનીર સેમ્પલ માટે લીધા છે અને એ લેબોરેટરી ચેકિંગ કરવા માટે મોકલ્યા છે. પછી એનું રિઝલ્ટ આવશે. ફૂડ સેફ્ટીના કાયદા મુજબ 14 દિવસની અંદર રિપોર્ટ આવી જશે અને ત્યાર પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સાથેજ તેમણે કહ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ચાર-પાંચ મહિનાથી પનીરની ચેકિંગ થઈ રહી છે. અને આ વિષય ઉપર અમે દરેક રેસ્ટોરન્ટ અને પનીર મેન્યુફેક્ચરરને સજાગ કર્યા છે. એમને સાથે મીટિંગ અને ટ્રેનિંગ પણ કરી છે. એટલે અમદાવાદમાં તો હવે નકલી પનીર બહુ જ કમ કે નહીવત્ થઈ ગયા છે. પરંતુ હાલમાં પણ અમારી ડ્રાઇવ કન્ટિન્યુ ચાલુ છે.
એનાલોગ પનીરના નુકસાન અંગે તેમણે જણાવ્યું હતું કે લોકો પ્રોટીનના સોર્સ તરીકે પનીર ખાય છે. અને અસલી પનીરની અંદર માત્ર મિલ્ક હોય છે. કારણ કે પનીર દૂધમાંથી બનેલી પ્રોડક્ટ છે. જે સ્વાસ્થ્ય માટે સારી છે. જ્યારે એના નામે એનાલોગ ખાવામાં આવે તો એ દૂધથી બનતી પ્રોડક્ટ નથી. એ ઓઇલથી બને છે. અને તેલ વધારે ખાવાથી શરીરની અંદર ઘણી પ્રોબ્લેમ થઈ શકે છે અને હૃદયમાં બ્લોકેજ સુધી પણ થઈ શકે છે. અને શરીરના વિવિધ અંગો પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.
બીજી તરફ, વેજલપુર વિસ્તારમાં આવેલી ‘વિજય ડેરી’માં પણ ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન વિજય ડેરીમાંથી પનીરનું શંકાસ્પદ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવા માટે લેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન ડેરીમાં પૂરતી ચોખ્ખાઈ કે સ્વચ્છતા જોવા ન મળતાં ફૂડ વિભાગ દ્વારા વિજય ડેરીને નોટીસ ફટકારવામાં આવી છે.

