કામરેજના ખોલવડ ગામે સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલમાં લિફ્ટ તૂટતા ૧ કામદારનું મોત
(જી.એન.એસ) તા. ૬
સુરત,
જીલ્લાના કામરેજ તાલુકામાં આવેલ ખોલવડ ગામે સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલમાં ખાતે બીજા માળે ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામ દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતાં 32 વર્ષીય એક કામદારનું કરૂણ મોત નીપજ્યું છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, ખોલવડ સ્થિત સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બીજા માળે નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક કામદાર યુવક લિફ્ટ દ્વારા રેતી સહિતનો કન્સ્ટ્રક્શનનો સામાન ઉપર ચડાવી રહ્યો હતો અને સાથે પોતે પણ લિફ્ટમાં ઉપરના માળે જઈ રહ્યો હતો. તે જ વખતે અચાનક લિફ્ટનો કોઈ ભાગ તૂટી પડતા પહેલા માળેથી લિફ્ટ સીધી ધડાકાભેર ગ્રાઉન્ડ ફ્લોર (ભોંયતળિયે) ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં યુવકનો પગ લિફ્ટમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો અને તેને શરીરના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી.
આ બનાવ ની જાણ થતા સુરત શહેર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત અને કવાયત બાદ લિફ્ટમાંથી ગંભીર રીતે ઘાયલ કામદારના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ કામરેજ પોલીસ મથકનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે કામરેજ પોલીસ મથકના પીએસઆઈ વી. બી. જાડેજાએ જણાવ્યું હતું કે, “એક કામદાર યુવક લિફ્ટમાં ફસાઈ જવાથી મોત થયાની માહિતી મળતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાજર ફાયર ટીમની મદદથી ભારે મહેનત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. હાલ બીજા માળ પર ચાલી રહેલા કામની વિગતો અને સુરક્ષા માપદંડોની તપાસ કરવામાં આવી રહી છે, તેમજ યુવકના પરિવારજનો અને વાલી-વારસાની ભાળ મેળવવા માટે વિશેષ તજવીજ હાથ ધરવામાં આવી છે.”

