બજરંગદાસ બાપાની AI તસવીરો અને બનાવટી રીલ્સ શેર ન કરો, બગદાણા આશ્રમની ભક્તોને ખાસ અપીલ
(જી.એન.એસ) તા. ૬
ભાવનગર,
ભાવનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ અને હજારો લોકોની આસ્થા જેમની સાથે જોડાયેલી છે તેવા બગદાણાના બજરંગ દાસ બાપાના નામથી એક AI જનરેટેડ ભ્રામક વીડિયો વાયરલ થયો છે. ત્યારે બગદાણા આશ્રમ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના વીડિયો સામે આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે અને ભાવિકોને આ પ્રકારે બાપાના મૂળ રૂપ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવા જણાવાયુ છે.
સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે બજરંગદાસ બાપા વિશે ફેલાવવામાં આવતી કાલ્પનિક વાતો અને બનાવટી તસવીરોને લઈને ગુરુ આશ્રમ બગદાણા દ્વારા અપીલ જાહેર કરવામાં આવી છે. બગદાણા આશ્રમે સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તોને બાપાના મૂળ પવિત્ર સ્વરૂપને જાળવી રાખવા અને AI નિર્મિત ફેક કન્ટેન્ટથી દૂર રહેવા ખાસ વિનંતી કરી છે.
બગદાણા ગુરુ આશ્રમ દ્વારા ભાવિકોને અપીલ કરતા AI જનરેટેડ ફેક ફોટા-વીડિયોથી સાવધાન રહેવા જણાવાયુ છે. લાઈક્સ-વ્યુઝ ની ઘેલછામાં આ પ્રકારની ખોટી-ભ્રામક પોસ્ટ વાયરલ ન કરવા અપીલ કરવામાં આવી છે.
બગદાણા આશ્રમની ભક્તોને અપીલ:-
•AI તસવીરો શેર ન કરો: AI દ્વારા બનાવાયેલા બાપાના કાલ્પનિક તસવીરો કે વીડિયોને આગળ શેર કે પ્રોત્સાહિત ન કરો.
•મૂળ સ્વરૂપ જાળવી રાખો: કાલ્પનિક વાર્તાઓ અને બનાવટી રીલ્સથી બાપાની છબી વિકૃત ન કરવી.
•સાચો વારસો આગળ ધપાવો: આવનારી પેઢી સુધી બજરંગદાસ બાપાનો સાચો ઈતિહાસ અને સાચી ભક્તિ જ પહોંચવી જોઈએ.
•સંતો શ્રદ્ધાનો વિષય છે: સંતો એ કોઈ કલ્પના કે મનોરંજનનું સાધન નથી, પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે.
આશ્રમ પરિવાર અને સ્થાનિકોએ તમામ ભક્તોને પોતાની નૈતિક ફરજ સમજીને આવી અવાસ્તવિક રીલ્સ અને ફોટાઓને સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા અને બાપાની પવિત્રતા જાળવી રાખવા અનુરોધ કર્યો છે.

