(જી.એન.એસ) તા. ૨૯
વડોદરા,
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત’નો કેન્દ્રીય મંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ તથા દેશ-વિદેશના ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ અવસરે ઔદ્યોગિક ક્ષેત્રે મધ્ય ગુજરાતની વિશાળ સંભાવનાઓને સમૃદ્ધિમાં પરિવર્તિત કરવા ગુજરાત સરકાર અને વિવિધ કંપનીઓ વચ્ચે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા.
મહેસાણા, રાજકોટ અને સુરત બાદ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ચોથી કડીનો શુભારંભ અવસર પર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે VGRCને સંતુલિત વિકાસનું નવું મોડેલ ગણાવતા જણાવ્યું કે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા બેલેન્સ્ડ ગ્રોથના વિચારને રાજ્ય સરકારે આગળ ધપાવ્યો છે. અત્યાર સુધી યોજાયેલી ત્રણ VGRCમાં કુલ 9,499 MoU દ્વારા અંદાજે રૂ. 13.30 લાખ કરોડના રોકાણો રાજ્યમાં આવ્યા છે તેમ તેમણે ગૌરવસહ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી વિચારસરણી અને સમય કરતાં આગળનું વિચારીને તેનું અમલીકરણ કરવાની પ્રતિબદ્ધતાને કારણે ભારત દરેક ક્ષેત્રોમાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.

કેન્દ્રીય વીજળી તેમજ આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરે સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે વિશ્વસનીય વીજ પુરવઠો, આધુનિક માળખાગત સુવિધાઓ, સક્ષમ શહેરો, કુશળ માનવ સંસાધન અને સ્થિર નીતિઓ કોઈપણ રોકાણકારનો વિશ્વાસ જીતવાના સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતે છેલ્લા બે દાયકામાં દૂરંદેશી નેતૃત્વ, નીતિગત સ્થિરતા અને કાર્યક્ષમ વહીવટના બળે પોતાને વૈશ્વિક રોકાણના અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે.
પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરે ગુજરાત સરકારની આ નવીન પહેલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ પ્રાદેશિક સંમેલન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સહભાગી શાસનનું ઉત્તમ ઉદાહરણ છે. આ માધ્યમથી સરકાર ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ્સ અને સ્થાનિક ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને નીતિ નિર્માણને વધુ સહભાગી અને તેના અમલીકરણને વધુ અસરકારક બનાવી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા સંવાદો વર્ષ 2027માં અમદાવાદમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને વધુ સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
તેમણે ઉદ્યોગોની સફળતાની જરૂરિયાતો પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે ઉદ્યોગની સફળતા માત્ર રોકાણ પ્રોત્સાહનો પર આધારિત નથી, પરંતુ વિશ્વસનીય વીજ પુરવઠો, કાર્યક્ષમ લોજિસ્ટિક્સ, આધુનિક માળખાગત સુવિધાઓ અને ગુણવત્તાસભર શહેરી સેવાઓ પર નિર્ભર છે. વિશ્વસનીય વીજળી મજબૂત અર્થવ્યવસ્થાનો પાયો છે અને ગુજરાત આ ક્ષેત્રમાં દેશનું અગ્રણી રાજ્ય છે.
તેમણે જણાવ્યું કે આ વર્ષે દેશમાં આશરે 271 ગીગાવોટની વિક્રમી પીક વીજ માંગને સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી હતી અને 284 ગીગાવોટ સુધીની માંગને પહોંચી વળવા અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી હતી. એટલું જ નહીં પણ સરકાર આગામી વર્ષોમાં ડેટા સેન્ટર, ઇલેક્ટ્રિક વાહનો અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ના વધતા ઉપયોગને કારણે વીજળીની માંગમાં થનારી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને સરકાર 300 ગીગાવોટ સુધીની ક્ષમતા માટે પણ તૈયાર છે.તેમણે જણાવ્યું કે ‘વન નેશન, વન ગ્રીડ, વન ફ્રિક્વન્સી’ના અભિગમના આધારે ભારત પોતાની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવી રહ્યું છે અને વૈશ્વિક ભૂરાજકીય પડકારો વચ્ચે પણ દેશની ઊર્જા વ્યવસ્થા સ્થિર રહી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે ઉદ્યોગોનો વિકાસ માત્ર કારખાનાઓથી નહીં, પરંતુ સારા શહેરોથી પણ થાય છે. રોકાણકારો આવાસ, જાહેર પરિવહન, પીવાના પાણીની સુવિધા, ગટર વ્યવસ્થા, ડિજિટલ ગવર્નન્સ, સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓનું પણ મૂલ્યાંકન કરે છે. આ દૃષ્ટિકોણ સાથે કેન્દ્ર સરકારે શહેરી વિકાસને આર્થિક વિકાસનો અભિન્ન ભાગ બનાવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે PM સ્વનિધિ યોજના હેઠળ દેશભરમાં 76 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડરોને સંસ્થાકીય ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેમાંથી 40 લાખથી વધુ લાભાર્થીઓએ સમયસર લોનની ચુકવણી કરીને પોતાની નાણાકીય વિશ્વસનીયતા સાબિત કરી છે, જ્યારે આશરે 8 લાખ લાભાર્થીઓ ત્રણેય હપ્તા પ્રાપ્ત કર્યા બાદ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ વધુ ધિરાણ મેળવવાની દિશામાં આગળ વધ્યા છે.
આ અવસરે આયોજિત “આર્થિક વિકાસ અને પ્રાદેશિક પ્રગતિના પ્રેરક તરીકે હાઈ-સ્પીડ રેલ કોરિડોર” વિષય પરની પેનલ ચર્ચામાં કનેક્ટિવીટીના મહત્વ પર ભાર મૂકતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કનેકટિવિટી ફક્ત બે શહેરોનું જોડાણ કે કોઈ લોકોના પરિવહન પૂરતું જ નથી પરંતું તેમાં આપણો આર્થિક વૃદ્ધિ અને વિકાસ જોડાયેલા છે. કારણ કે જ્યારે પણ આર્થિક કોરિડોર બને છે તે ઉદ્યોગ, રોજગાર અને તે પ્રદેશની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે.
આ પ્રસંગે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વડોદરામાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ‘પીએમ ઈ-બસ સેવા’ હેઠળ 30 એસી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી પણ આપી હતી.

