(જી.એન.એસ) તા. ૨૯
સુરત,
ગુજરાત સરકારના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડો. જયરામ ગામીત ની તબિયત અચાનક નાદુરસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મંત્રીને છાતીના ભાગે તીવ્ર દુખાવો ઉપડ્યો હતો, જેને પગલે તેમને તાત્કાલિક સુરતની જાણીતી મૈત્રી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમની તબીબી તપાસ શરૂ કરવામાં આવી હતી.
સર્જરી બાદ હૃદયમાં મૂકાયું સ્ટેન્ટ
તબીબી પરીક્ષણ દરમિયાન મંત્રી ડો. જયરામ ગામીતના હૃદયની નળીઓમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડૉક્ટરોએ વિલંબ કર્યા વિના ઈમરજન્સી સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. તબીબોની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન કરીને મંત્રીના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યું છે. આ સફળ પ્રક્રિયા બાદ મંત્રીની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં તેમની તબિયત સ્થિર અને સારી હોવાનું જાણવા મળ્યું છે.
હાલ તબિયત સ્થિર, નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ ઓબ્ઝર્વેશનમાં
સર્જરી બાદ કોઈપણ પ્રકારની આડઅસર કે જટિલતા ન સર્જાય તે માટે ડો. જયરામ ગામીતને હાલ તબીબોની કડક દેખરેખ હેઠળ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં દાખલ રાખવામાં આવ્યા છે. આગામી 24 થી 48 કલાક સુધી તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.
રાજ્યના એક મહત્વના મંત્રી હોસ્પિટલમાં દાખલ થતાં જ વહીવટી તંત્ર અને રાજકીય આલમમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ હતી. તેમના પરિવારજનો અને નિકટના આગેવાનો પણ સુરતની મૈત્રી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે મંત્રી અત્યારે સંપૂર્ણ ભાનમાં છે અને ડૉક્ટરોની ટીમ તેમની પળેપળની સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા મંત્રી ઝડપથી સ્વસ્થ થઈને જનસેવામાં પરત ફરે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.

