(જી.એન.એસ) તા. ૨૯
ગાંધીનગર,
ભારતમાં અને વિદેશમાં પરંપરાગત સિગારેટના કુદરતી, તમાકુ-મુક્ત અને રોગનિવારક વિકલ્પો તરીકે વ્યાપકપણે વેચાતી હર્બલ સિગારેટ, સામાન્ય તમાકુની સિગારેટ કરતાં વધુ સુરક્ષિત નથી. તેઓ એવા ઉત્સર્જન (ધૂમ્રશેષ) પેદા કરે છે જે તમાકુના ધુમાડા જેટલા જ તુલનાત્મક અથવા તેનાથી પણ વધુ નુકસાનકારક હોઈ શકે છે.
આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) અને યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બાના-શેમ્પેઈન (UIUC), U.S. દ્વારા કરવામાં આવેલા એક નવા સંયુક્ત અભ્યાસના મુખ્ય તારણો છે.
અભ્યાસમાં ભારતના બે સૌથી વધુ વેચાતા તમાકુ બ્રાન્ડ્સ અને તુલસી, લવિંગ, તજ, ફૂદીનો, ગ્રીન ટી, વોટર લિલી અને કેમોમાઈલના સંયોજનો ધરાવતી ચાર લોકપ્રિય હર્બલ જાતોમાંથી નીકળતા ઉત્સર્જનની તુલના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, બે હર્બલ બ્રાન્ડ્સે રેપર તરીકે ટીમરુ (એબની) ના પાંદડાનો ઉપયોગ કર્યો હતો, જે ભારતમાં સૌથી વધુ વપરાતા ધૂમ્રપાન ઉત્પાદન એવા બીડીમાં ઉપયોગમાં લેવાતા પાંદડા સમાન છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને અન્ય હિતધારકો દ્વારા મનાવવામાં આવતા વિશ્વ તમાકુ નિષેધ દિવસના અવસરે, હર્બલ સિગારેટ તમાકુ કરતાં વધુ સુરક્ષિત નથી તેવી જાગૃતિ લાવવી અનિવાર્ય છે. દર વર્ષે 31 મેના રોજ, WHO તમાકુની રોગચાળો સમાપ્ત કરવા અને આગામી પેઢી માટે તમાકુ- અને નિકોટિન-મુક્ત ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સરકારો, આરોગ્ય સંસ્થાઓ, નાગરિક સમાજ અને યુવાનો સાથે સહયોગ કરે છે.
આ તારણો જર્નલ ઓફ હેઝાર્ડસ મટિરિયલ્સ (https://doi.org/10.1016/j.jhazmat.2026.142424)માં પ્રકાશિત થયા હતા, જે એક પીઅર-રિવ્યુડ, હાઈ-ઈમ્પેક્ટ આંતરરાષ્ટ્રીય જર્નલ છે જે જોખમી પદાર્થો અને પ્રદૂષકોના ઉત્પાદન, સારવાર, વ્યવસ્થાપન અને પર્યાવરણીય અસરો પરના સંશોધનો પ્રકાશિત કરે છે. આ પેપર આઈઆઈટી ગાંધીનગરના આલોક કુમાર ઠાકુર અને સમીર પટેલ અને યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ, અર્બાના-શેમ્પેઈન, US ના પી.એસ. ગણેશ સુબ્રમણ્યન અને વિશાલ વર્મા દ્વારા સહ-લેખિત કરવામાં આવ્યું હતું.
સંશોધન પેપર ભારતીય બજારમાં વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ હર્બલ અને તમાકુ સિગારેટના મુખ્ય પ્રવાહના (ફર્સ્ટહેન્ડ) ધુમાડાના ભૌતિક, રાસાયણિક અને ઓક્સિડેટીવ ગુણધર્મોની વ્યાપક સરખામણી રજૂ કરે છે.
મુખ્ય તારણો વિશે વિગતવાર માહિતી આપતાં, IITGN ના સિવિલ એન્જિનિયરિંગ અને કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને IITGN ના ડૉ. કિરણ સી પટેલ સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના સહ-સંયોજક પ્રોફેસર સમીર પટેલે જણાવ્યું હતું કે, “અમારા તારણો વ્યાપકપણે મનાતી એ માન્યતાને પડકારે છે કે તમાકુ-મુક્ત એટલે જોખમ-મુક્ત. હર્બલ સિગારેટમાંથી નીકળતું ઉત્સર્જન અમે માપેલા લગભગ દરેક માપદંડ પર તમાકુની સિગારેટ જેટલું જ અથવા તેનાથી વધુ છે. પાંદડામાં વીંટાળેલા હર્બલ વેરિઅન્ટ્સ પરીક્ષણ કરાયેલા તમામ સેમ્પલોમાં સૌથી વધુ જોખમી સાબિત થયા છે.”
ઉત્સર્જનને અલગ કરવા માટે, માનવ શ્વાસ લેવાના દરની નકલ કરવા માટે રચાયેલ સીલબંધ, સ્વયંસંચાલિત ટુ-ચેમ્બર રીગની અંદર દરેક સિગારેટનું દહન કરવામાં આવ્યું હતું. સિગારેટના ઉત્સર્જનને રીઅલ-ટાઇમ સાધનોમાં મોકલવામાં આવ્યું હતું, અને કણોના ભૌતિક અને રાસાયણિક લક્ષણીકરણ માટે ફિલ્ટર સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા. ઉત્સર્જનની સંભવિત ઝેરીતાના પ્રતિનિધિ તરીકે, એકત્રિત કરાયેલા નમૂનાઓની ઓક્સિડેટીવ સંભવિતતાનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હતું.
એક મુખ્ય તારણ એ હતું કે સબ-500-નૅનોમીટર કણો તમાકુના ધુમાડા કરતાં હર્બલ ધુમાડામાં આશરે 20 ટકા વધુ સાંદ્રતામાં ઉત્સર્જિત થાય છે. આ બારીક કણો કાર્ડિયોવાસ્ક્યુલર (હૃદયરોગ) અને શ્વસન સંબંધી રોગો સાથે વધુને વધુ જોડાઈ રહ્યા છે.
ટીમે ‘ઓક્સિડેટીવ પોટેન્શિયલ’ (OP) નામની પ્રોપર્ટી પણ માપી હતી, જે પ્રતિક્રિયાશીલ ઓક્સિજન પ્રજાતિઓ ઉત્પન્ન કરવાની ધુમાડાની ક્ષમતાને માપે છે, આ એવા આક્રમક અણુઓ છે જે બળતરા, ફેફસાંના પેશીઓનું પુનઃનિર્માણ અને હૃદયરોગના મૂળમાં રહેલા રક્તવાહિની સંબંધી ફેરફારોને પ્રેરે છે. તમાકુ સિગારેટની સરખામણીમાં હર્બલ સિગારેટના પાર્ટિક્યુલેટ મેટરમાં નોંધપાત્ર રીતે વધુ OP નોંધાયું હતું.
ખાસ કરીને, ટીમરુના પાંદડામાં વીંટાળેલા વેરિઅન્ટ્સ કાગળમાં વીંટાળેલા સંસ્કરણો કરતાં આશરે 49 ટકા વધુ OP દર્શાવે છે. રસપ્રદ વાત એ છે કે, રાસાયણિક વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે એક હર્બલ સિગારેટ, જે તુલસીથી ભરેલી હતી, તેમાં સીસા (લેડ) ની સાંદ્રતા સૌથી વધુ હતી, ભલે તેને “સ્વસ્થ જીવનશૈલી માટે 100% કુદરતી ફિલર સાથે કેમિકલ-મુક્ત” તરીકે માર્કેટ કરવામાં આવી રહી હતી.
યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બાના-શેમ્પેઈન, U.S.ના સિવિલ અને એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ વિભાગના પર્યાવરણીય એન્જિનિયરિંગના એસોસિએટ પ્રોફેસર અને સંશોધન સહયોગી પ્રોફેશર વિશાલ વર્માએ ઉમેર્યું હતું કે, “તે તારણ મહત્વપૂર્ણ છે કારણ કે ઘણા ગ્રાહકો નિકોટિન-મુક્ત ઉત્પાદનોને ઓછા નુકસાન સાથે જોડે છે.”
‘નિયમનકારી તફાવત (રેગ્યુલેટરી ગેપ)’
આ અભ્યાસ હર્બલ સિગારેટની આસપાસની નિયમનકારી તફાવતની સમસ્યાને પણ ખુલ્લી પાડે છે. ભારતનો સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ, 2003 (COTPA) ચેતવણી લેબલો, જાહેરાત પ્રતિબંધો અને જાહેર ધૂમ્રપાનના નિયમો દ્વારા તમાકુ ઉત્પાદનોનું નિયમન કરે છે, પરંતુ તમાકુ-મુક્ત તરીકે માર્કેટિંગ કરવામાં આવતા ઉત્પાદનો ઘણીવાર આ માળખાની બહાર રહી જાય છે. બીજા કેટલાક દેશોમાં પણ સમાન નિયમનકારી તફાવતો અસ્તિત્વમાં છે.
મુખ્ય લેખક ડૉ. આલોક કુમાર ઠાકુરના જણાવ્યા અનુસાર, તેઓએ પરીક્ષણ કરેલી કેટલીક હર્બલ સિગારેટોનું માર્કેટિંગ ઉધરસમાં રાહત આપવા, ઊંઘમાં સુધારો કરવા અથવા ચિંતા ઘટાડવાના દાવાઓ સાથે કરવામાં આવ્યું હતું. “જો કે, આ ઉત્પાદનોના ઉત્સર્જન અને વિષવિજ્ઞાન સંબંધી (ટોક્સિકોલોજિકલ) અસરોનું મૂલ્યાંકન કરતા મર્યાદિત વૈજ્ઞાનિક પુરાવા છે,” તેમણે ઉમેર્યું.
ડૉ. ઠાકુરે પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલો તરીકે IITGN ખાતે પીએચડી પૂર્ણ કર્યું છે અને હાલમાં તેઓ કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટી, U.S. ખાતે પોસ્ટડોક્ટરોલ સંશોધન કરી રહ્યા છે. સંશોધકો ભારપૂર્વક જણાવે છે કે આ અભ્યાસ રોગના પરિણામો વિશે સીધા રોગચાળાના (એપિડેમિઓલોજિકલ) દાવા કરતો નથી. તેના બદલે, તે ઉત્સર્જિત ધુમાડાના કણોના માપી શકાય તેવા ગુણધર્મો અને તેમની સંભવિત જૈવિક પ્રતિક્રિયાશીલતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
“બોક્સ પર શું લખેલું છે તેના કરતાં દહન, બારીક કણો, મેશ (સૂટ), ટ્રેસ મેટલ્સ અને તેમની આસપાસનું રેપર આ બધું વધુ મહત્વનું છે,” એમ ડૉ. પી.એસ. ગણેશ સુબ્રમણ્યને જણાવ્યું હતું, જેઓ હાલમાં સેન્ટ લુઇસમાં વોશિંગ્ટન યુનિવર્સિટી, U.S. ખાતે પોસ્ટડોક્ટરોલ સંશોધક છે.
પેપરના તારણો 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ, “અપીલને અનમાસ્ક કરવી: નિકોટિન અને તમાકુની લતનો સામનો કરવો” (Unmasking the appeal: countering nicotine and tobacco addiction) સાથે મેળ ખાય છે.
હર્બલ સિગારેટ કેટેગરી સંભવિતપણે સુખાકારીલક્ષી (વેલનેસ-ઓરિએન્ટેડ) ભાષાનો ઉપયોગ કરીને યુવા ગ્રાહકો અને પ્રથમ વખત ધૂમ્રપાન કરનારાઓને આકર્ષિત કરી રહી હોવાથી, તમાકુના વિકલ્પોના માર્કેટિંગને નિયંત્રિત કરવા માટે માળખાં વિકસાવવાની તાત્કાલિક જરૂરિયાત છે. આ અભ્યાસ વૈજ્ઞાનિક પુરાવાઓના વધતા જતા સંગ્રહમાં ઉમેરો કરે છે જે વૈકલ્પિક ધૂમ્રપાન ઉત્પાદનોની આસપાસ પુરાવા-આધારિત નિયમન અને જાહેર-આરોગ્યની ચર્ચાઓને માહિતગાર કરવામાં મદદ કરી શકે છે.
IIT ગાંધીનગર વિશે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર અભ્યાસક્રમમાં અજોડ નવીનતાઓ સાથે ભારતમાં શ્રેષ્ઠ અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ શિક્ષણ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. તેનો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ પ્રોજેક્ટ-ઓરિએન્ટેડ લર્નિંગ, સર્જનાત્મકતા, લિબરલ આર્ટ્સ, ડિઝાઇન, લાઇફ સાયન્સ અને વૈશ્વિકીકરણ પર ભાર મૂકે છે. તેના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાંથી આશરે 40 ટકા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ અથવા અન્ય આંતરરાષ્ટ્રીય તકો મેળવે છે. નવા આવતા વિદ્યાર્થીઓ માટે તેનો 5-અઠવાડિયાનો ઇમર્સિવ ફાઉન્ડેશન પ્રોગ્રામ સર્જનાત્મકતા, નેતૃત્વ, સંચાર કૌશલ્ય, નૈતિકતા, સામાજિક જાગૃતિ અને શારીરિક પ્રવૃત્તિ પર ભાર મૂકે છે. IITGN વિજ્ઞાન, ટેક્નોલોજી તેમજ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા અને સર્વાંગી અને સૂક્ષ્મ મન વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે.
IITGNની સ્થાપના 2008માં કરવામાં આવી હતી અને તે સાબરમતી નદીના કિનારે પાલજ, ગાંધીનગર ખાતે સ્થિત છે, જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ભારતના એકમાત્ર યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદની નજીક છે. IITGN કેમ્પસ દેશમાં GRIHA તરફથી 5-સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ કેમ્પસ છે અને તેણે ત્રણ HUDCO એવોર્ડ જીત્યા છે.

