(જી.એન.એસ) તા. ૨૮
ગાંધીનગર/અમદાવાદ,
આફ્રિકન દેશ કોંગોથી આવેલા ચેપજન્ય રોગ ઈબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
નાગરિકોને વિનંતી છે કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.
ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે.
આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો (Ebola Virus) પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (AMC) આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
ભારત સરકારે આ ખતરાને જોતા તકેદારીના ભાગરૂપે કડક ગાઈડલાઈન જાહેર કરી છે. કોંગો અને યુગાન્ડાથી આવતી ફ્લાઈટ્સ પર કોવિડ જેવા જ પ્રોટોકોલ લાગુ કરાયા છે. એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ અને શંકાસ્પદ મુસાફરોને પ્લેનમાં અલગ બેસાડવાના નિયમો લાગુ કરાયા છે. સાથેજ વેલ એડવાઈઝરી જાહેર કરીને સરકારે નાગરિકોને આગામી સૂચના સુધી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા ન કરવા સલાહ આપી છે.

