રાજ્યપાલશ્રીએ સાબરમતી રેલવે સ્ટેશનથી ટ્રેન દ્વારા પ્રસ્થાન કર્યું
(જી.એન.એસ) તા. ૨૮
અમદાવાદ,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટેના ‘આર્થિક આત્મરક્ષા’ ના મંત્રને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. રાજ્યપાલશ્રીએ રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીને બદલે ટ્રેન, એસ.ટી. બસ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યપાલશ્રીએ દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય કૃષિ સંમેલનમાં પહોંચવા માટે ગુરુવારે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી દિલ્હી સુધી ટ્રેન દ્વારા મુસાફરી માટે પ્રસ્થાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલશ્રી આજે (શુક્રવારે) કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત ખરીફ અભિયાન 2026 – રાષ્ટ્રીય કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે.

